Video: નવસારીના અબ્રામા ખાતે સ્પોર્ટ્સ કોમ્પલેક્સ બનાવવાની યોજના ખોરંભે , સિન્થેટિક ટ્રેકના બદલે ઝાડી ઝાંખરાનું ફેલાયુ સામ્રાજ્ય

| Edited By: | Updated on: Jan 08, 2023 | 11:52 PM

Navsari: નવસારીના અબ્રામા ખાતે ભવ્ય સ્પોર્ટ્સ કોમ્પલેક્સ બનાવવા અંગેની વર્ષોથી યોજના છે. અહીં 400 મીટરનો સિન્થેટિક ટ્રેક બનાવવાનો પ્લાન હતો. જો કે હાલ અહીં માત્ર ઝાડી ઝાંખરા જ જોવા મળે છે, અને રમતવીરો અન્યાયની લાગણી અનુભવી રહ્યા છે.

દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાંથી સરિતા ગાયકવાડ, મુરલી ગાવિત સહિત અનેક શ્રેષ્ઠ રમતવીરો મળ્યાં છે. ત્યારે નવસારીના અબ્રામા ખાતે ભવ્ય સ્પોર્ટ્સ કોમ્પલેક્ષનું સ્વપ્ન સરકારે લાંબા સમય પહેલા રમતવીરોને બતાવ્યું. જો કે ગ્રાઉન્ડમાં ઠેર-ઠેર ઝાડી-ઝાંખરા ઉગી જતા ગાઢ જંગલ જેવી સ્થિતિ ઉભી થઈ છે. અહીં 400 મીટરનો સિન્થેટિક ટ્રેક બનાવવાનો પ્લાન હતો. પરંતુ સ્થાનિક ઓથોરિટીએ માત્ર 200 મીટરનો માટીનો ટ્રેક બનાવી દેતા રમતવીરો અન્યાયની લાગણી અનુભવી રહ્યાં છે. અહીં રમતવીરો ઝડપથી સ્વિમિંગ પુલ, જીમ સહિતની સુવિધાઓ ઉભી કરવાની માગ કરી રહ્યાં છે.

સ્પોર્ટસ કોમ્પલેક્સને વર્ષોથી બજેટમાં ફાળવેલુ છે

નવસારીને રમતગમતને સાનુકૂળ માહોલવાળુ એક સ્પોર્ટ્સ સંકુલ મળી જાય તેવી રમતવીરોની માગ છે. વર્ષોથી રાજ્ય કક્ષાએ અબ્રામા ખાતે સ્પોર્ટસ કોમ્પલેક્સને વર્ષોથી બજેટમાં ફાળવેલુ છે પરંતુ હજુ સુધી ત્યાં કંઈ કામ થયુ નથી. પરંતુ ત્યાં 400 મીટરનું પ્લેટફોર્મ મળી જાય અને 400 મીટરના સિન્થેટિક ટ્રેકની જે વાત થયેલી છે તે તૈયાર થઈ જાય તો આદિવાસી વિસ્તારથી લઈને નવસારીના આજુબાજુના વાપી, વલસાડના લોકોને પણ તેનો ફાયદો થશે.

સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત હસ્તકનો દક્ષિણ ગુજરાતનો સૌ પ્રથમ ટ્રેક અને હાઈટેક સુવિધા અબ્રામા ખાતે બનાવવાનું આયોજન હતું. પરંતુ રમત-ગમત સંકુલમાં યોગ્ય બાંધકામ ન થતા રમતવીરો તેનો ઉપયોગ કરી શકતા નથી. આ સ્પોર્ટસ સંકુલના પ્લાનમાં વારંવાર ફેરફાર કરાતા વિલંબ થઈ રહ્યો છે. આ મુદ્દે જવાબદાર અધિકારી અને આગેવાનોને વારંવાર યોગ્ય રજૂઆત પણ કરવામાં આવી છે.