Video: ભાવનગરમાં તાવ-શરદી અને ઉધરસના દર્દીઓની સંખ્યા વધી, 14 આરોગ્ય કેન્દ્રોમાં વાયરલના 1800થી વધુ દર્દીઓ
Bhavnagar: હાલ બેવડી ઋતુના કારણે શહેરમાં તાવ-શરદી ઉધરસના દર્દીઓ વધ્યા છે. શહેરના 14 આરોગ્ય કેન્દ્રોમાં વાયરલના 1800થી વધુ દર્દીઓ નોંધાયા છે. દવાખાનાઓ દર્દીઓથી ઉભરાઈ રહ્યા છે.
ભાવનગર શહેરમાં કડકડતી ઠંડી વચ્ચે રોગચાળો વકર્યો છે. છેલ્લા ચાર સપ્તાહમાં તાવ-શરદી અને ઉધરસના કુલ 1800થી વધુ દર્દીઓ નોંધાયા છે. આ તો સરકારી આંકડાઓ છે, ખાનગી હોસ્પિટલોમાં પણ દર્દીઓની લાઈન લાગી રહી છે. રાજ્યમાં અત્યારે બેવડી ઋતુ ચાલી રહી છે, જેના લીધે બીમાર પડવાના કેસ પણ વધી રહ્યા છે. ભાવનગર શહેરમાં છેલ્લા ચાર સપ્તાહમાં તાવ-શરદી અને ઉધરસના કુલ 1800થી વધુ દર્દીઓ નોંધાયા છે. આ શહેરના 14 આરોગ્ય કેન્દ્રના આંકડા છે. જ્યારે ખાનગી દવાખાનાઓમાં પણ દર્દીઓની લાંબી કતારો જોવા મળી રહી છે.
રાજકોટની વાત કરીએ અહીં પણ વાયરલ ઇન્ફેક્શનના કેસમાં ધરખમ વધારો થયો છે. છેલ્લા ત્રણ દિવસની વાત કરીએ તો શરદી ઉધરસના 345 કેસ, તાવના 53 અને ઉલટીના 72 કેસ સાથે સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. એક સાથે મોટી સંખ્યામાં દર્દીઓ આવતા સિવિલમાં લાંબી લાઈનો જોવા મળી. પાલિકા પણ સ્વિકારે છે કે રોગચાળાના કેસમાં વધારો થયો છે અને લોકોએ શું સાવચેતી રાખવી જોઈએ તેની પણ સલાહ અધિકારી આપી રહ્યા છે.
રોગચાળાનું કારણ અને ઉપાયો
- મિશ્ર ઋતુઓથી અને ઠંડીના કારણે રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો
- શીત લેહરને કારણે શરદી-ઉધરસ અને તાવનું પ્રમાણ વધ્યું
- બીમારી સાથે ઝાડા ઉલટીનું પ્રમાણ વધુ
- નાના બાળકોને બીમારીથી બચાવવા ભીડવાળી જગ્યા પર જવાનું ટાળો
- જંકફૂડ અને ઠંડા પીણા જેવી ખાદ્ય વસ્તુઓથી દૂર રહેવું હિતાવહ
ઠંડી અને ગરમીને કારણે વાયરલ ઈન્ફેક્શનના કેસ વધ્યા છે, ત્યારે સિવિલ હોસ્પિટલનું તંત્ર દોડધામમાં લાગ્યું છે. હવે આ સ્થિતિને પહોંચી વળવા હોસ્પિટલ સજ્જ હોવાનો દાવો તો કરાયો છે, પરંતુ દર્દીઓની લાઈન ઘણી બધી હકીકત કહી જાય છે.
