મહેસાણાના લીંચ ગામે રતન ગઢપરામાં રહેતા આ છે 50 વર્ષીય પટેલ દિનેશકુમાર કાશીરામ કે જેમના પુત્ર સુનીલને અમેરિકા જવાની ઈચ્છા પૂરી કરવા ગમે તેમ કરીને રૂપિયા 50 લાખ ભેગા કર્યા. અને અમદાવાદના બે શખ્શો એ તેમને વિશ્વાસ અપાવતા બંનેને રૂપિયા 50 લાખ આપી પણ દીધા. અમદાવાદના સોલા રોડ પર આવેલા ગૌરવ બંગલોઝમાં રહેતા પટેલ જીનલ રાજેન્દ્રભાઈ અને વસ્ત્રાલના શિવસુખ નગરમાં રહેતા કલ્પેશ વ્યાસે ફરિયાદી પટેલ દિનેશભાઈને વિશ્વાસ આપ્યો હતો કે તેઓ ગમે તેમ કરીને તેમના પુત્ર સુનીલને અમેરિકામાં ઘુસાડી દેશે. પણ દિનેશ પટેલના પુત્ર ને અમેરિકા જવાનું સપનું કદાચ સપનું જ રહી જશે એ એમને નહોતી ખબર.
અમેરિકા જવા સુનિલને અહીંથી રવાના પણ કરવાંમાં આવ્યો. પણ ત્રણ થી ચાર મહિના દુબઈમાં ગોંધી રાખી તેને માર મરાયો. સુનિલએ તેના પિતાનો સંપર્ક કરતા ગમે તેમ કરીને સુનિલને પરત ઘરે બોલાવી દેવાયો. દિવસો વીતતા ગયા. 26 જૂન 2021 થી લઇ ને અત્યાર સુધી ના તો અમેરિકા જવાનો મેળ પડ્યો કે ના રૂપિયા પરત મળ્યા. દિનેશ પટેલને છેતરામણીનો અહેસાસ થતા પૈસા પરત પણ માંગ્યા પણ મળ્યા માત્ર 5 લાખ અને બાકીના 45 લાખ પરત નહિ આપતા દિનેશ પટેલે મહેસાણાના લાંઘણજ પોલીસ મથકે આ બંને કબૂતર બાજો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.
દિનેશ પટેલને બે પુત્રો છે અને આજના જમાનામાં ભણેલા છોકરાઓને પણ નોકરી મળવી મુશ્કેલ હોવાથી તેમના એક પુત્રને અમેરિકા મોકલવાનું નક્કી કર્યું. તેઓ સ્વીકારે છે કે બેરોજગારી ને કારણે પોતાના એક પુત્ર ને તેઓએ ગેરકાયદે અમેરિકા મોકલ્યો હતો. અને એના કારણે જ તેમને ફસાવવાનો વારો આવ્યો છે. બંને એજન્ટો એ રૂપિયા 50 લાખમાં વાયા કેનેડા થઈ અમેરિકા મોકલવાનું કહ્યું હતું. પરંતુ તેમના પુત્ર ને દુબઈ પહોચાડીને જ રોકી લેવાયો.
સુનીલ ને પોતે ફસાઈ ગયા અને છેતરાયા હોવાનો અહેસાસ થતા પિતાને જાણ કરી હતી. પિતાને જાણ કરતા દુબઈમાં ત્રણ થી ચાર મહિના વિઝા વગર રહેવાનો ફાઈન પણ ભરવો પડ્યો અને પરત ભારત આવી જવું પડ્યું. આ સમગ્ર મામલે મહેસાણાના લાંઘણજ પોલીસ મથકે આરોપી એજન્ટ જીનલ પટેલ અને કલ્પેશ વ્યાસ વિરૂદ્ધ ફરિયાદના આધારે પોલીસે તપાસ કાર્યવાહી હાથ ધરી છે.
(With Input, Manish Mishtri, Mehsana)