Video: પાલિતાણામાં જૈન તીર્થ વિવાદના સમાધાન મુદ્દે જૈન અને હિંદુ સંતો વચ્ચે મળી બેઠક
Bhavnagar: પાલિતાણાના શેત્રુંજ્ય તીર્થ વિવાદના સમાધાન મુદ્દે જૈન મુનીઓ અને હિંદુ સંતોની બેઠક મળી હતી. જેમા વિવાદનો સુખદ અંત લાવવા મુદ્દે ચર્ચા થઈ હતી. તો બીજી તરપ સોશિયલ મીડિયામાં ભડકાઉ ભાષણ દ્વારા કોઈ સમાજ ગેરમાર્ગે ન દોરાય અને પરસ્પર પ્રેમ જળવાઈ રહે તેવો સંદેશ પાઠવ્યો હતો.
પાલીતાણા જૈન તીર્થ વિવાદના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ત્યારે વહેલામાં વહેલી તકે આ વિવાદનો સુખદ ઉકેલ લાવવા મહત્વપૂર્ણ બેઠક મળી હતી. પાલીતાણામાં જૈન સાધુઓ અને હિન્દૂ સંતો વચ્ચે વિવાદ ઉકેલવા મુદ્દે સકારાત્મક ચર્ચા થઈ હતી. બેઠકમાં મંદિરના વહીવટનું સંચાલન કલેકટર કરે તેવી રજૂઆત થઈ. તો પૂજારીની નિમણુંક અને પગાર બાબતે પણ ચર્ચા થઈ. આચાર્ય ભાય મહારાજે કહ્યું, સોશિયલ મીડિયામાં ભડકાઉ ભાષણ કરીને સમાજને કોઈ ગેરમાર્ગે ન દોરે. પરસ્પર પ્રેમ રહે અને સદભાવના જળવાઈ તેવો પ્રજાને સંદેશ પાઠવ્યો હતો. જયારે વિવાદનો સુખદ ઉકેલ ટુંક સમયમાં આવશે તેવું જૈનમુનીએ કહ્યું.
જૈન સમાજ તરફથી ભાઈજી મહારાજ ગચ્છાધિપતિ પ્રદ્યુમન વિમલસુરી મહારાજ સહિતના આગેવાનો અને હિન્દુ સમાજમાંથી સંતો અને મહંતો બેઠકમાં હાજર રહ્યા હતા. મહત્વપૂર્ણ છે કે સરકાર લાંબા સમયથી આ વિવાદને ઉકેલવા માટે પ્રયાસ કરી રહી છે. ત્યારે આ બેઠકને પાલીતાણા જૈન તીર્થ વિવાદ મુદ્દે સૂચક માનવામાં આવી રહી છે.
આઠ સભ્યોની એક ઉચ્ચ સ્તરિય ટાસ્ક ફોર્સની રચના
આ દરમ્યાન, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શેત્રુંજય જૈન તિર્થ ક્ષેત્ર પાલીતાણાના પ્રશ્નો અંગે જૈન સમાજની રજૂઆતો સંદર્ભે આઠ સભ્યોની એક ઉચ્ચ સ્તરિય ટાસ્ક ફોર્સની રચના કરી છે. આ ટાસ્ક ફોર્સ જૈન સમાજની રજૂઆતો માંગણીઓને ધ્યાને લઇને જે મુદ્દાઓનું નિરાકરણ કરવું જરૂરી છે તે બાબતે રચવામાં આવી છે. આ ટાસ્ક ફોર્સમાં ભાવનગર જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજીસ્ટ્રેટના અધ્યક્ષપણામાં રચાયેલી આ ટાસ્ક ફોર્સના અન્ય સભ્યોમાં રેન્જ આઇ.જી. ભાવનગર, ઉપરાંત ભાવનગર જિલ્લાના પોલિસ અધિક્ષક, નાયબ વન સંરક્ષક, ભૂ-સ્તર શાસ્ત્રી, જિલ્લા જમીન દફ્તર નિરિક્ષક અને પાલીતાણા નગરપાલીકાના ચિફ ઓફિસર સભ્યો તરીકે રહેશે. ટાસ્ક ફોર્સના સભ્ય સચિવ તરીકે સબ-ડિવિઝનલ મેજીસ્ટ્રેટ પાલીતાણા રહેશે.
