આમ તો દક્ષિણ ગુજરાતની ભૂમિમાં પાણી ખૂટે એવું બનતું નથી, પરંતુ નવસારીના કાંઠા વિસ્તારોમાં ભર શિયાળે પણ પાણીની અછત જોવા મળી રહી છે. વરસાદ પૂરો પડ્યો હોવા છતાં આવી સ્થિતિ કેમ સર્જાઈ એ જાણશો તો સરકારી તંત્રની અણઆવડત ઉડીને આંખ સામે આવશે.
નવસારી જિલ્લાના કાંઠા વિસ્તારમાં સીઝનનો 80થી 100 ઈંચ જેટલો વરસાદ પડે છે. પરંતુ જલાલપોર તાલુકામાં પાણી સંગ્રહ થાય એવા કોઈ પણ સ્ત્રોત ઊભા કરવામાં નથી આવ્યા. જેના કારણે અત્યારે ભરશિયાળે પાણીની સમસ્યા જોવા મળી રહી છે. કાંઠા વિસ્તારમાં આવેલા દીપલા સહિતના ગામોમાં પાણીનો પોકાર સંભળાઈ રહ્યો છે.
સિંચાઈ વિભાગ દ્વારા નહેરનું રોટેશન બંધ કરવામાં આવ્યું છે, જેના કારણે કાંઠા વિસ્તારના ગામોમાં પાણી પહોંચી શકતું નથી અને જે તળાવમાંથી ગામોને પાણી આપવામાં આવે છે એ તળાવો પણ સુકાઈ ગયા છે. હવે આ સ્થિતિમાં પીવાના પાણી સ્થિતિ વિકટ બની છે.
કાંઠા વિસ્તારમાં આવેલા આદર્શ ગામોમાં અંદાજિત 10,000થી વધુ લોકો એવા જેમને આ પાણીની તંગી અસર કરી રહી છે. નહેરનું રોટેશન હજી બંધ રહેવાનું છે. ત્યારે સ્થાનિકોએ આ મામલે ધારાસભ્ય આરસી પટેલને પણ રજૂઆતો કરી છે, પરંતુ હજી પણ પાણી પહોંચાડવા માટે કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી. ઉમરાટ ગામના સરપંચ અને પંચાયતના સભ્યોનું કે જેમણે માનવતાના ધોરણે ઠરાવ કરી ખાનગી તળાવમાંથી પાણી આપવાની શરૂઆત કરી છે. જેનાથી મહદંશે પાણીની સમસ્યાથી થોડીક રાહત મળશે, પરંતુ એ તળાવમાં પણ હવે ધીરે ધીરે પાણી ખુટી રહ્યું છે.
આ પણ વાંચો : Video: નવસારીમાં શિક્ષણ વ્યવસ્થાની ખૂલી પોલ, ચીખલીના વાંઝણા ગામમાં વિદ્યાર્થીઓને ભણવા માટે વર્ગખંડ જ નથી
આ જોતાં હવે સિંચાઈ વિભાગ જેમ બને એમ વહેલી નહેર ચાલુ કરે એવી માંગ સ્થાનિકો કરી રહ્યા છે તો બીજી તરફ સિંચાઈ વિભાગે એવું આશ્વાસન આપ્યું છે કે ટુંક સમયમાં નહેરનું રોટેશન શરૂ થશે, જેથી પાણીની સમસ્યાનો ઉકેલ આવશે. આશ્વાસન નહીં લોકોને હવે પાણી જોઈએ છે. પાણીનો પોકાર કરી રહેલા ગામવાસીઓની સમસ્યાનું ઝડપી નિરાકરણ આવે તે જરૂરી છે.
ઈનપુટ ક્રેડિટ-નિલેશ ગામિત- નવસારી