Video: ડીસાના ડાવસ ગામે 7 મહિનાથી અધૂરા રોડની કામગીરીને કારણે ગામ લોકોને પારાવાર હાલાકી

|

Jan 17, 2023 | 11:59 PM

Banaskatha: ડીસાના ડાવસ ગામે છેલ્લા સાત મહિનાથી રોડની કામગીરી અધૂરી હોવાના કારણે ગામલોકોને ભારે હાલાકી પડી રહી છે. અઢી કિલોમીટર સુધી મેટલ પાથર્યા બાદ રોડ ન બનતા ગામલોકોને પારાવાર મુશ્કેલી વેઠવી પડે છે.

બનાસકાંઠાના ડીસા તાલુકાના ડાવસ ગામે સાત મહિનાથી અધુરા રહેલા રોડની કામગીરીની. જેના લીધે ગ્રામજનોને ભારે હાલાકી પડી રહી છે. અઢી કિલોમીટર સુધી મેટલ પાથર્યા બાદ હજુ સુધી રોડ ન બનતા હજારો ગ્રામજનો મુશ્કેલી વેઠી રહ્યા છે. આમ તો રાજ્યના અનેક ગામના રસ્તોઓની સ્થિતિ આવી જ ઉબડ ખાબડ છે. આ રસ્તાની મરમ્મતનું કામ સાત મહિના પહેલા શરૂ કરવામાં આવ્યું હતું પણ ભડથ રોડથી ડાવસ ગામ તરફ જવાનો રસ્તો હજુ સુધી બન્યો નથી. સદંતર ધૂળિયા બનેલા આ રોડ પરથી નીકળવામાં લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

રોડ પર ઠેર ઠેર ખાડાઓનું સામ્રાજ્ય છે. રોડ પર રહેલા એકથી દોઢ ફૂટના ખાડાઓ જોઈને તમને સમજાઈ જશે કે આ બેદરકારીની હદ છે. આ માર્ગ પરથી પસાર થતા વાહનચાલકોની હેરાનગતિ ઓછી નથી. અહીં દિવસ હોય કે રાત. અનેક વાહન ચાલકો આ માર્ગ પર અકસ્માતનો ભોગ બની રહ્યા છે.

આ પણ વાંચો: બનાસકાંઠા : થરાદમા ચોખાના કટ્ટાની આડમાં દારૂ ઝડપાયો, 31 લાખથી વધુનો મુદ્દામાલ કરાયો જપ્ત

સાત મહિનાથી રસ્તાને લઈને ગ્રામજનો પરેશાન છે, ત્યારે જિલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગ પાસે માત્ર બહાના સિવાય કંઇ નથી. નાયબ કાર્યપાલક ઇજનેરનું કહેવું છે કે ચોમાસા પહેલા મેટલ કામ થયું હતું અને હવે ચોમાસું પૂરું થયું છે એટલે રસ્તો બનાવીશું. છેલ્લા સાત માસથી ડામરના રોડનું કામ તો થયું નથી જેને લઇને હાલાકીઓ તો છે જ, પરંતુ તંત્ર માત્ર આશ્વાસન આપી રહ્યું છે. નવો રોડ ક્યારે બનશે તેને લઈને કોઈ નિશ્ચિતતા નથી પરંતુ અહીંથી પસાર થતા લોકોની કમર અને કરોડરજ્જુના મણકા જરૂર ખસી જાય છે. ત્યારે તંત્ર કંઈક સામુ જુએ તેવુ ગામલોકો ઈચ્છી રહ્યા છે.

ઈનપુટ ક્રેડિટ- અતુલ ત્રિવેદી- બનાસકાંઠા

Published On - 11:58 pm, Tue, 17 January 23

Next Video