ચાઈનીઝ દોરી, નાયલોન દોરી અને તુક્કલ પર પ્રતિબંધ હોવા છતાં તે ખુલ્લેઆમ બેરોકટોકપણે વેચાઈ રહી છે. જેના પર પ્રતિબંધ લાદવા હવે હાઈકોર્ટે કડક વલણ અપનાવવા આદેશ કર્યો છે. જે અંતર્ગત હવે પોલીસ વિભાગે ગેરકાયદે વેચાઈ રહેલા માંજા વિરુદ્ધ ઝુંબેશ હાથ ધરી છે. ત્યારે અમદાવાદમાં ચાઈનીઝ દોરીના વેચાણ સામે પોલીસે લાલ આંખ કરી છે. અમદાવાદમાં ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા 50 લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે 170 ગુનાઓ દાખલ કરીને 50 લોકોને ઝડપી પાડ્યા છે.
રાજ્યમાં ચાઈનીઝ દોરી બેફામ વેચાણ સામે હાઇકોર્ટની લાલ આંખ બાદ તંત્ર સફાળું જાગ્યું છે. અમદાવાદ શહેર પોલીસે ચાઈનીઝ દોરીનું વેચાણ કરનારાઓ પર તવાઇ બોલાવી છે. ઉત્તરાયણના પર્વને હવે ખૂબ જ થોડા દિવસ બાકી રહ્યા છે. ત્યારે હવે પોલીસ અમદાવાદના વિવિધ વિસ્તારમાં પતંગનું વેચાણ કરનારાને ત્યાં તપાસ કરી રહી છે. શહેર પોલીસ ચાઈનીઝ દોરી સાથે જીવલેણ દોરી વેચનાર સામે કાર્યવાહી કરી રહી છે. આજે પોલીસે 170 ગુના નોંધી 50 લોકોની ધરપકડ કરી છે.
16 ડિસેમ્બરના રોજ પ્રતિબંધિત ચાઈનીઝ દોરી વેચાણ પર પોલીસ કમિશનર જાહેરનામું બહાર પાડ્યું હતું. ત્યારથી લઈને અત્યાર સુધીમાં અમદાવાદ પોલીસે અનેક ચાઈનીઝ દોરીના કેસ કર્યા છે. ચાઈનીઝ દોરી અને ચાઈનીઝ તુકકલ ઓનલાઇન વેચાણ કરનારા સામે કાર્યવાહી શરૂ છે. આ તરફ ઓનલાઈન મળતી ચાઈનીઝ દોરી અને તુક્કલની જાણ થતા સાયબર ક્રાઈમ પણ સતર્ક થઈ ગયું છે. આ ઉપરાંત સિંથેટિક દોરીને વધુ કેમિકલ ટ્રીટમેન્ટ આપી કાચ ઉમેરવામાં આવે છે. જેથી દરેક પોલીસ સ્ટેશનમાં સુચના અપાઈ છે કે જે લોકો દોરી તૈયાર કરે છે તેમને આ અંગે જાગૃત કરે અને સમજાવે.