રામાયણ સિરિયલમાં પ્રસિદ્ધ પાત્ર ભજવનાર દિગ્ગજ અભિનેતા ચંદ્રકાંત પંડયાનું નિધન, 100 થી વધુ ફિલ્મોમાં અભિનય

રામાનંદ સાગરની રામાયણ સિરિયલથી જેને પ્રસિદ્ધિ મળી હતી. અને ગુજરાતી સિનેમામાં ખુબ મોટું નામ ધરાવનાર ચંદ્રકાંત પંડ્યાનું નિધન થયું છે.

દિગ્ગજ અભિનેતા ચંદ્રકાંત પંડયાનું ટૂંકી બીમારી બાદ નિધન થયું છે. તેમણે અનેક ગુજરાતી ફિલ્મોમાં અભિનયના ઓજસ પાથર્યા હતા. પરંતુ રામાનંદ સાગરની રામાયણ સિરિયલથી પ્રસિદ્ધિ મળી હતી. રામાયણમાં તેમણે નિષાદરાજનો અભિનય કર્યો હતો. તેમના નિધનથી ચાહકોમાં શોકની લાગણી પ્રસરી ગઇ છે. અભિનેતા ચંદ્રકાંતએ મુંબઈમાં 78 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. ગુજરાતી ફિલ્મમાં તેમનું યોગદાન સવિશેષ રહ્યું છે. તેમને માનવીની ભવાઇ ફિલ્મ માટે રાષ્ટ્રીય એવાર્ડ મળ્યો હતો. પીઢ અભિનેતા ચંદ્રકાન્ત પંડ્યાનો જન્મ ડીસા તાલુકાના ભીલડી ગામે 1946માં થયો હતો. તેમના પિતા મગનલાલ પંડ્યા ધંધાર્થે મુંબઈમાં સ્થાયી થયા હતા.

ચંદ્રકાન્ત પંડ્યાને બાળપણથી જ નાટકોમાં રસ હતો. બીએ સુધી અભ્યાસ કર્યા બાદ મુંબઈમાં ઉપેન્દ્ર ત્રિવેદી અને અરવિંદ ત્રિવેદીએ નાટકોમાં કામ કરવાની તક અપાવી હતી. જ્યાંથી તેમની કારકિર્દીની શરૂઆત થઈ હતી. અને કાદુ મકરાણી ફિલ્મથી બ્રેક મળ્યા બાદ તેઓએ અભિનયમાં પાછું વળીને જોયું નહોતું. ગુજરાતી ફિલ્મ ઉદ્યોગના 70થી 90ના સમયગાળામાં જ્યારે સુવર્ણકાળ હતો તે સમયે તેમણે એક આગવો દર્શક વર્ગ ઉભો કર્યો હતો. જુવાનીના ઝેર ફિલ્મમાં હીરો તરીકે તો મહિયરની ચૂંદડી, શેઠ જગડુંશા, ભાદર તારા વહેતા પાણી, સોનબાઈની ચૂંદડી, પાતળી પરમાર સહિત 100 થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો. ચંદ્રકાન્ત પંડ્યાએ જુદા જુદા સાત જેટલા એવોર્ડ પણ મેળવ્યા છે. શોલે ફિલ્મના ગબ્બર અમજદખાન તેમના ગાઢ મિત્ર હતા.

 

આ પણ વાંચો: Rajkot: રાહતના સમાચાર, ઘર, દુકાન અને ઓફિસની બહાર પાર્ક કરેલા વાહન પર ચાર્જ નહીં, જાણો પે એન્ડ પાર્કના ભાવ

આ પણ વાંચો: Ahmedabad: ફિલ્મી ઢબે હનીટ્રેપમાં ફસાવ્યો વેપારીને, પહેલા મિત્રતા-મુલાકાત અને પછી જે થયું તે જાણીને હોશ ઉડી જશે

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati