Valsad: જિલ્લામાં ભાદરવામાં અષાઢી માહોલ, વાપી, પારડી સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ

| Edited By: | Updated on: Sep 06, 2022 | 7:02 PM

Gujarat Rain: વલસાડ જિલ્લામાં ભાદરવા માસમાં અષાઢી માહોલ જોવા મળ્યો છે. જિલ્લામાં ગત મધરાત્રિથી જ ધોધમાર વરસાદ પડ્યો છે. સવારે પણ ધોધમાર વરસાદ પડ્યો હતો. જેના પગલે સમગ્ર પંથકમાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.

રાજ્યમાં દક્ષિણ ગુજરાતમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે. જેમા વલસાડ (Valsad) જિલ્લામાં ગઈકાલ રાત્રેથી જ ધોધમાર વરસાદ (Rain)ની શરૂઆત થઈ છે. સોમવારે મધરાત્રે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. જિલ્લામાં ભાદરવા માસમાં અષાઢી માહોલ જોવા મળ્યો છે. વલસાડમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. વલસાડ શહેર, વાપી (Vapi) અને પારડી સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. સોમવાર રાતથી જ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. તો ભારે ઉકળાટ અને બફારા વચ્ચે વરસાદ ખાબક્તા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને લોકોને ગરમીમાંથી રાહત મળી છે.

દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી

આ તરફ નવસારી શહેરમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો. વહેલી સવારથી જ ધોધમાર વરસાદની શરૂઆત થઈ ગઈ હતી. સવારે બે કલાકમાં નવસારીમાં એક ઈંચ જેટલો વરસાદ ખાબકી ગયો હતો. ઘણા લાંબા સમય બાદ શહેરમાં વરસાદ ખાબક્તા વાતાવરણમાં ઠંડક થઈ છે. નવસારીના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો.

9 અને 10 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડવાની સંભાવના

આ તરફ આગામી ત્રણ દિવસ સુધી હવામાન વિભાગે પણ રાજ્યમાં સામાન્ય વરસાદ રહેવાની આગાહી કરી છે. જેમા 9 અને 10 સપ્ટેમ્બરે ભારે વરસાદની આગાહી કરી છે. જેમા દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે વલસાડ, નવસારી, ડાંગ અને તાપીમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પશ્ચિમ બંગાળમાં લો પ્રેશર સિસ્ટમ બની રહી હોવાથી વરસાદનું જોર વધશે અને 7 સપ્ટેમ્બર બાદ લો પ્રેશર એરિયા બનશે તો વરસાદનું જોર વધશે.