Vadodara: એક એવા ગણપતિ જ્યાં 120 વર્ષથી હિંદુ-મુસ્લિમ સાથે મળીને ઉજવે છે ગણેશોત્સવ, જાણો કોમી એક્તાના ગણેશ વિશે

|

Sep 02, 2022 | 7:57 PM

વડોદરામાં 120 વર્ષથી હિંદુ મુસ્લિમો સાથે મળીને ગણેશ પર્વની ઉજવણી કરે છે. અહીં વર્ષ 1901માં જુમ્મા દાદાએ તેમના અખાડા પર તેના શિષ્ય માણેકરાવ પાસે ગણેશોત્સવની શરૂઆત કરાવી એક્તા અને ભાઈચારાનો સંદેશ આપ્યો હતો. આ પરંપરા આજે પણ અકબંધ છે.

દેશમાં મહારાષ્ટ્ર પછી ગુજરાત બીજા નંબરનું એવું રાજ્ય છે કે જ્યાં ગણેશોત્સવ (Ganeshotsav) ધામધૂમથી ઉજવવામાં આવે છે. ગુજરાતમાં અનેક પ્રકારે ગણપતિ ઉત્સવ ઉજવાય છે. વડોદરા(Vadodara)માં એવા ગણપતિ છે, જ્યાં હિન્દુ અને મુસ્લિમો સાથે મળીને ગણેશોત્સવ ઉજવે છે. અહીં હિન્દુ અને મુસ્લિમો સાથે મળીને ગણપતિ બાપ્પાની આરતી ઉતારે છે. હિન્દુ આરતી ઉતારે તો મુસ્લિમ બાપ્પાનો શંખનાદ ફૂંકે છે. આ પરંપરા પણ એક મુસ્લિમ (Muslim) પરિવારે જ શરૂ કરી હતી. 120 વર્ષ પહેલા અખાડા સંસ્થાના મુખ્ય પ્રણેતા કુસ્તીબાજ જુમ્માદાદાએ પોતાના શિષ્ય માણેકરાવ પાસે ગણેશોત્સવની શરૂઆત કરાવી હતી. યુવાનોમાં એકતા, દેશદાઝ અને ભાઈચારો વધે તે ભાવનાથી વર્ષ 1901માં જુમ્મા દાદાના અખાડા પર ગણેશોત્સવની શરૂઆત કરાઈ હતી.

ગણેશપર્વમાં કોમી એક્તાનો અનોખો સંદેશ

છેલ્લા 120 વર્ષથી વડોદરાના આ ગણેશોત્સવમાં કોમી એકતાના દર્શન થાય છે. જુમ્મા દાદાએ શરૂ કરેલી સાંપ્રદાયિક સૌહાર્દ અને એકતા આજે પણ જળવાયેલા છે. પહેલીવાર અહીં જેવી રીતે મુર્તિનું સ્થાપન થયું હતું તેવી જ રીતે આજે પણ અહીં ઉજવણી કરવામાં આવે છે. સ્થાનિકોની સાથે સાથે આ સંસ્થાના ટ્રસ્ટીઓ પણ તેનું ધ્યાન રાખે કે અહીં કોઈ રાજકારણ ન કરે. અહીંના સ્થાનિકો ખુદ એવુ કહેતા જોવા મળે છે કે આપણે કોઈની વાતમાં નથી આવવાનું અને હળી-મળીને જ રહેવાનું છે. છેલ્લા 120 વર્ષથી અહીં દર વર્ષે ગણોશોત્સવની હિંદુ મુસ્લિમો મળીને ઉજવણી કરી છે. વર્ષ 1901થી જુમ્માદાદાએ શરૂ કરેલી પરંપરાને અહીંના સ્થાનિકોએ આજે પણ અકબંધ રાખી છે.

 

Next Video