Gujarat Weather: આજથી રાજ્યમાં પાંચ દિવસ સુધી કમોસમી વરસાદની (Unseasonal Rain) આગાહી કરવામાં આવી છે. મહેસાણા, પાટણ અને કચ્છમાં સામાન્ય વરસાદની આગાહી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી સમગ્ર રાજ્યમાં પાંચ દિવસ સુધી વરસાદી વાતાવરણ રહેશે. તો આવતીકાલે એટલે કે 6 જાન્યુઆરીએ અમદાવાદમાં હળવો વરસાદ થઈ શકે છે.
છેલ્લાં 5 દિવસથી અમદાવાદ સહિત રાજ્યમાં ઠંડા પવનોને કારણે ઠંડીનું મોજું ફરી વળ્યું છે. શનિવારથી ઠંડા પવનોનું જોર ઘટતાં ઠંડીમાં આંશિક ઘટાડો નોંધાયો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આગામી બે-ત્રણ દિવસો દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં ઠંડીનું જોર ઘટવાની શક્યતા છે. આજે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી તથા મહિસાગરમાં છૂટા છવાયા વરસાદની આગાહી છે.
રવિ પાકની સીઝનમાં વરસાદની આગાહીથી ખેડૂતો ફરી એક વાર ખેતીને નુકસાન થવાની શક્યતાથી ચિંતિત બન્યા છે. મહત્વનું છે કે, 4થી 11 જાન્યુઆરીમાં ઉત્તર ભારતમાં હિમવર્ષા અને કમોસમી વરસાદવાળું વાતાવરણ રહેવાનું છે. જેના કારણે પંજાબ, હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાતના ભાગો સુધી હવામાનમાં પલટો આવશે. અને માવઠું થવાની શક્યતા રહેશે. જેમાં મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાતના ભાગો અને કચ્છ-સૌરાષ્ટ્રના ભાગોમાં માવઠું થવાની શક્યતા રહેશે.
આ પણ વાંચો: અમદાવાદમાં એક જ દિવસમાં 1,290 કોરોના કેસ, વધુ 21 વિસ્તારો માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોન, જાણો વિગતવાર
આ પણ વાંચો: યુવરાજસિંહના ઘટસ્ફોટ બાદ ફરી દોડતું થયું તંત્ર: ઉર્જા વિભાગ ભરતી કૈભાંડ મામલે તપાસનો ધમધમાટ, જાણો વધુ માહિતી