Tapi :તાપી જિલ્લામાં સોનગઢના મલંગદેવ અને ઓટા વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો છે. કરા સાથે અનેક વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. સોનગઢ તાલુકાના દક્ષિણ ભાગમાં કરા સાથે વરસાદ પડ્યો છે.માવઠાને પગલે ચણા,મકાઈ અને તુવેર સહિતના પાકને નુકશાનની ભિતી છે.ત્યારે હાલ ભર ઉનાળે કમોસમી વરસાદ થતા ખેડૂતોની ચિંતા વધી છે.
હવામાન વિભાગ દ્વારા રાજ્યભરમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી. ત્યારે ગીર સોમનાથમાં ગીરગઢડામાં કરા સાથે વરસાદ વરસ્યો છે. જેમા ગીરગઢડાના જંગલ વિસ્તારના ગામોમાં પણ ભારે વરસાદ વરસ્યો હતો.ધોકડવા, ચીખલ કુબા, નીતલી, વડલી, જસાધાર, સરની ખોડીયાર સહિતના ગામોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. કમોસમી વરસાદથી ખેડૂતોને વ્યાપક નુકસાન પહોંચ્યુ છે. જેમાં કેસર કેરી, ઘઉં, તલ, બાજરા સહિતના પાકોને નુકસાન થતા ખેડૂતો પરેશાન જોવા મળી રહ્યા છે.
તો રાજ્યમાં આગામી 5 દિવસ ગાજવીજ સાથે કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી કરાઇ છે. ભરૂચ, સુરત, નવસારી, તાપી, ભાવનગર, બોટાદમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તો અમદાવાદ અને ગાંધીનગરમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઈ છે. બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ કમોસમી વરસાદની આગાહી કરાઈ છે. રાજસ્થાન તરફ સર્જાયેલા સર્ક્યુલેશનની અસરથી રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.