Breaking News : ઊંઝા APMCના ચેરમેન દિનેશ પટેલ બન્યા ઠગાઈનો ભોગ ! દાનના નામે વિશ્વાસ જીતી ₹5 લાખનો ચૂનો લગાવ્યો
સામાજિક સેવા સંસ્થાના ટ્રસ્ટમાં દાન આપવાના બહાને તેમની સાથે વિશ્વાસ કેળવીને ₹5 લાખની છેતરપિંડી આચરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાઈ છે. આ મામલે બે શખ્સો વિરુદ્ધ ઊંઝા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
મહેસાણામાં ઠગાઈનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ઊંઝા APMCના ચેરમેન દિનેશ પટેલને ઠગબાજોએ નિશાન બનાવ્યા હતા. સામાજિક સેવા સંસ્થાના ટ્રસ્ટમાં દાન આપવાના બહાને તેમની સાથે વિશ્વાસ કેળવીને ₹5 લાખની છેતરપિંડી આચરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાઈ છે. આ મામલે બે શખ્સો વિરુદ્ધ ઊંઝા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
APMCના ચેરમેન ઠગાઈનો ભોગ બન્યા
મળતી માહિતી મુજબ, ઠગબાજે કાશીરામ પટેલ નામ ધારણ કરીને દિનેશ પટેલનો સંપર્ક કર્યો હતો. ફોન પર પોતાની ઓળખ કાશીરામ પટેલ તરીકે આપીને તેણે દિનેશ પટેલ સાથે વાતચીત શરૂ કરી હતી. ત્યારબાદ સામાજિક સેવા સંસ્થાના ટ્રસ્ટમાં દાન આપવાની વાત કરીને તેમનો વિશ્વાસ જીત્યો હતો.
આરોપીએ દિનેશ પટેલને વધુ વાતચીત અને વ્યવહાર માટે ગાંધીનગરમાં નવા બનેલા MLA ક્વાર્ટર્સની સામે મળવા માટે બોલાવ્યા હતા. અહીં દાન અને સામાજિક સેવાના નામે વિશ્વાસમાં લઈને ઠગાઈના કાવતરાને અંજામ આપવામાં આવ્યો હોવાની વિગતો સામે આવી છે.
આંગડિયા પેઢી મારફતે પડાવાઈ 5 લાખની રકમ
આ સમગ્ર વ્યવહારમાં વી. પટેલ આંગડિયા પેઢીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આંગડિયા પેઢી મારફતે દિનેશ પટેલ પાસેથી કુલ ₹5 લાખની રકમ પડાવી લેવામાં આવી હતી. દાનના નામે વિશ્વાસ કેળવીને આર્થિક છેતરપિંડી કરવામાં આવતા સમગ્ર મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો.
નાણાકીય વ્યવહાર અંગે પોલીસે તપાસ હાથ ધરી
આ ઘટના બાદ દિનેશ પટેલે ઊંઝા પોલીસ સ્ટેશનમાં બે શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પોલીસે ગુનાહિત ષડયંત્ર સહિતની કલમો હેઠળ તપાસ શરૂ કરી છે. ઠગાઈમાં સામેલ બંને શખ્સોની ભૂમિકા અને સમગ્ર નાણાકીય વ્યવહાર અંગે પોલીસ તપાસ કરી રહી છે.
આ ઘટનાને પગલે સામાજિક સેવા અને દાનના નામે લોકો સાથે છેતરપિંડી કરતા તત્વો સામે સાવચેત રહેવાની જરૂરિયાત પણ સામે આવી છે. અજાણ્યા વ્યક્તિની ઓળખ અને સંસ્થાની ખરાઈ કર્યા વિના કોઈને પણ મોટી રકમ આપવી જોખમી બની શકે છે.
