તાપીના ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે. ઉકાઈ ડેમના ઉપરવાસમાં મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં વરસાદને લઈ પાણીની આવકનો વધારો નોંધાયો છે. હાલમાં ઉકાઈ ડેમમાં પાણીની આવક સવારથી જ સતત વધવા લાગી છે. જેને લઈ જળસપાટી 338.12 ફુટ કરતા વધારે વધી ચૂકી છે. ઉકાઈ બપોરે 12 કલાકે 2 લાખ 86 હજાર ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. સતત પાણીની આવકને લઈ આજે બપોર સુધીમાંજ એક મીટર જેટલી જળસપાટીમાં વધારો નોંધાયો હતો.
ઉપરવાસમાં હથનૂર ડેમમાં પણ પાણીની આવક વધવાને લઈ 41 દરવાજા ખોલવામાં આવ્યા છે. હથનૂર ડેમમાંથી 3 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યુ છે. જેને લઈ હવે ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં વધારો નોંધાયો છે. આમ ઉકાઈ ડેમ હાલમાં 84.68 ટકા જેટલો ભરાઈ ચૂક્યો છે. આમ એક તરફ ચોમાસાનો વરસાદ ખેંચાવાને લઈ ખેડૂતો સિંચાઈ માટે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે.એવામાં મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં વરસાદને લઈ પગલે દક્ષિણ ગુજરાતના જળાશયોમાં પાણીની આવક નોંધાઈ રહી છે. જેનાથી મોટી રાહત સર્જાઈ છે.
Published On - 2:33 pm, Sat, 16 September 23