આણંદમાં વિરસદ પોલીસ સ્ટેશનમાંથી 144 કિલો ગાંજાની ચોરી કરી તસ્કરો ફરાર

|

Oct 23, 2022 | 10:23 PM

Anand: વિરસદ પોલીસ સ્ટેશનમાંથી ગાંજાની ચોરીની ઘટના સામે આવી છે. ચાર વર્ષ અગાઉ કબ્જે લેવામાં આવેલા ગાંજાને આ પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યો હતો. આ 144 કિલો ગાંજાની ચોરી કરી તસ્કરો ફરાર થઈ જતા આણંદ પોલીસની કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે.

લોકોના ઘર-દુકાનો જ નહીં, પરંતુ પોલીસ સ્ટેશન પણ હવે સુરક્ષિત રહ્યા નથી. આણંદ (Anand)ના વિરસદ પોલીસ સ્ટેશનમાં ચોરીની ઘટના સામે આવી છે. પોલીસ સ્ટેશન (Police Station)ના સ્ટોર રૂમમાંથી તસ્કરો ગાંજો ચોરી ગયા છે. સ્ટોર રૂમમાંથી તસ્કરો 144 કિલોની માત્રામાં 8 લાખની કિંમતના ગાંજા (Ganja)ની ચોરી કરીને ફરાર થઈ ગયા છે. પોલીસ મથકમાં કર્મચારીઓ હાજર હોવા છતાં કેવી રીતે તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો એ સવાલ દરેક પોલીસ કર્મચારીના મનમાં ઉઠી રહ્યો છે. ઘટનાને પગલે SOG અને LCB સહિતની ટીમ પોલીસ સ્ટેશને દોડી આવી હતી અને તપાસ હાથ ધરી છે. મહત્વનું છે કે વર્ષ 2018માં NDPSના ગુનામાં 2 હજાર કિલો ગાંજો ડાલી ચોકડીથી પકડાયો હતો, આ ગાંજો પોલીસ સ્ટેશનમાં સ્ટોર રૂમમાં રાખેલો હતો, જેને તસ્કરો ચોરી ગયા છે.

બોરસદ તાલુકાના વિરસદ ગામમાં પોલીસ સ્ટેશનમાંથી 4 વર્ષ અગાઉ કબ્જે લીધેલ ગાંજાના મુદ્દામાલની ચોરી થતા કુતુહલ સર્જાયું છે. પોલીસની નાક નીચેથી પોલીસ કમ્પાઉન્ડમાંથી ચોર ઈસમો ચોરી કરી ભાગી જતા આણંદ પોલીસની આબરુના લીરેલીરા ઉડ્યા છે. જોકે આ ઘટનાને લઈ પોલીસે સઘન તપાસ હાથ ધરી છે અને એસઓજી ,એલસીબી સહિતની ટીમ બનાવી ચોરોને પકડવા કવાયત હાથ ધરી છે. આ બનાવ અંગે વિરસદ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ શોભનાબેન રમણભાઈ વાઘેલા ફરિયાદી બની વિરસદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા ઈસમો વિરુદ્ધ ઈપીકો કલમ 454,457 તથા 380 મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ છે.

Next Video