હિંમતનગરમાં ટ્રાફિકની સમસ્યા માથાના દુઃખાવા સમાન, લાંબી કતારોના દ્રશ્યો સર્જાયા

|

Nov 27, 2023 | 5:50 PM

અમદાવાદ-શામળાજી નેશનલ હાઈવે પર હિંમતનગર પાસે ટ્રાફિક જામની સમસ્યા હવે રોજીંદી બની ગઈ છે. હિંમતનગર શહેર વિસ્તાર પસાર કરવો એટલે જાણે કે માથાના દુઃખાવા સમાન સમસ્યા બની ગઈ છે. ટ્રાફિક જામ લાંબો સમય સુધી જામતો હોય છે અને જેને લઈ વાહનચાલકો અને સ્થાનિકો પરેશાન થઈ જાય છે. છેલ્લા કેટલાક સપ્તાહથી ટ્રાફિક જામની સતત સ્થિતિને લઈ સ્થાનિકોમાં પણ રોષ વ્યાપ્યો છે.

અમદાવાદ થી શામળાજી હાઈવે પર પસાર થવુ હોય તો હવે હિંમતનગરથી પસાર કરવુ એટલે માથાના દુઃખાવા જેવી સ્થિતિ બની ગઈ છે. હિંમતનગર શહેરના જીઆઈડીસીથી કાંકણોલ સુધીની હાઈવે પર સહકારી જીન ચોકડી અને મોતિપુરામાં ટ્રાફિક જામ રહેતો હોય છે. જેમાં ખાસ કરીને સહકારી જીન ચાર રસ્તા પર અયોગ્ય આયોજનને લઈ ટ્રાફિક જામ પરેશાન કરી રહ્યો છે. સવારથી મોડી રાત સુધી ટ્રાફિકની લાંબી કતારો જોવા મળતી હોય છે.

આ પણ વાંચોઃ શામળાજીમાં કાર્તિકી પૂર્ણિમાને લઈ ઠાકોરજીના દર્શને ગુજરાત અને રાજસ્થાનના ભક્તોની મોટી ભીડ ઉમટી

એક્રોપોલિસ મોલ સુધી ટ્રાફિક જામ થવો એ સામાન્ય વાત બની ચુકી છે. જ્યારે સોમવારે તો આ જામની કતારો છેક કાંકણોલ ગામ સુધી સર્જાઈ હતી. અયોગ્ય ટ્રાફિક સંચાલન વ્યવસ્થા સર્જાઈ હોવાને લઈ આ પરિસ્થિતિ શહેર ભરમાં વિકટ બની છે. શહેરમાં પણ ટાવર ચોક, બસ સ્ટેશન, પોલીટેકનિક ચાર રસ્તા, મહાવીરનગર સર્કલ, છાપરીયા ચાર રસ્તા સહિત ન્યાય મંદિર વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા સતાવી રહી છે. સિટી ટ્રાફિકની અલાયદી વ્યવસ્થા કરવા છતાં પણ તેમના દ્વારા કોઈ જ કાર્યવાહી નહીં કરાતી હોવાનો રોષ ઠલવાઈ રહ્યો છે. તો બીજી તરફ નેશનલ હાઈવે પર ઓવરબ્રિજનુ કામ પણ બંધ હોવાને લઈ ડાયવર્ઝનને લઈ સમસ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.

સાબરકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 5:40 pm, Mon, 27 November 23

Next Video