સરકાર જાગે ! વર્ષો પછી ગુજરાતમાં દેખાયેલા વાઘના જીવને ભુ-માફિયાઓના ડમ્પરનો ખતરો
છોટાઉદેપુર અને દાહોદના જંગલોમાં સ્થાયી થયેલા વાઘ સામે ગંભીર સંકટ ઉભું થયું હોવાના આક્ષેપ સાથે એક વકીલ કલેક્ટરને ફરિયાદ કરી છે. ગેરકાયદે રેતી ચોરી કરતા ડમ્પરોની સ્પીડ અને તેજ હેડલાઈટ્સથી વાઘ સહિતના વન્યજીવો અકસ્માતનો ભોગ બની શકે તેવી ભીતિ વ્યક્ત કરવામાં આવી છે.
ગુજરાતના જંગલોમાં વર્ષો પછી દેખાયેલા અને હવે સ્થાયી થયેલા વાઘના જીવ પર જોખમ હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. જાણીતા વકીલ અને નિવૃત્ત વન અધિકારીના પુત્ર જાવેદ બલોચે આ મામલે છોટાઉદેપુર કલેક્ટર અને ડીએફઓ (DFO) ને લેખિત અરજી કરી કાર્યવાહી કરવાની માંગ કરી છે.
વકીલની રજૂઆત મુજબ, કેવડી અને રતનમહાલ અભ્યારણ્ય વચ્ચેનો વિસ્તાર વન્યજીવો માટે મુખ્ય કોરિડોર ગણાય છે. આ વિસ્તારમાં હાલમાં વાઘની હાજરી જોવા મળી છે, પરંતુ અહીં રાત્રિના સમયે બેફામ દોડતા ડમ્પરો વાઘના જીવ માટે ખતરો બની રહ્યા છે. આ ડમ્પરોની તેજ હેડલાઈટ્સ વન્યજીવોને અંજી નાખે છે અને તેમની બેફામ ગતિને કારણે ગમે ત્યારે મોટો અકસ્માત સર્જાઈ શકે છે.
અરજીમાં સૌથી ગંભીર આરોપ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર લગાવવામાં આવ્યો છે. જાવેદ બલોચના જણાવ્યા અનુસાર, આ વિસ્તારમાં કોઈ પણ પ્રકારની અધિકૃત લીઝ ન હોવા છતાં ગેરકાયદે રેતી ચોરી માટે ડમ્પરોની અવરજવર સતત ચાલુ રહે છે. વન વિભાગ અને સ્થાનિક તંત્રની નજર સામે જ આ ગેરકાયદે કામગીરી ચાલી રહી હોવાથી વાઘની સુરક્ષા સામે સવાલો ઉભા થયા છે.
હવે જોવાનું એ રહે છે કે, વકીલની આ રજૂઆત બાદ વન વિભાગ અને કલેક્ટર તંત્ર વાઘની સુરક્ષા માટે કેટલા ઝડપી પગલાં ભરે છે.