બનાસકાંઠાના જાસૂસીકાંડમાં ત્રણ આરોપી ત્રણ દિવસના રિમાન્ડ પર સોંપાયા, થશે અનેક ખુલાસા
બનાસકાંઠા જિલ્લાના ખાણ ખનીજના અધિકારીની સરકારી કારમાં જીપીએસ ટ્રેકર લગાવવામાં આવ્યુ હતુ. આ ટ્રેકર વડે સરકારી અધિકારીઓનું સતત લાઈવ લોકેશન મેળવાતુ અને તે વ્હોટસેપ ગૃપ દ્વારા ખનીજ માફિયાઓને મોકલવામાં આવતુ હતુ. બનાસકાંઠા એલસીબીએ ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે અને ત્રણેયને કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ પર સોંપ્યા છે.
રાજ્ય સરકારના અધિકારીઓના જાસૂસી કાંડ ચર્ચાનો વિષય બન્યો છે. ઉત્તર ગુજરાતના ત્રણ જિલ્લાઓમાં સરકારી અધિકારીઓની જાસૂસી કરવામાં આવતી હોવાનું સામે આવ્યુ છે. બનાસકાંઠાના ખાણ ખનીજ અધિકારીની સરકારી ગાડીની નિચે ડિઝલ ટાંકી જીપીએસ ટ્રેકર લગાવવામાં આવ્યુ હતુ. જે ટ્રેકર વડે ખનીજ માફિયાઓને સતત અધિકારીઓનુ લાઈવ લોકેશન આપવામાં આવતુ હતું.
જાસૂસી કાંડ મામલે પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો. પરંતુ હવે બાદમાં આ ગુનાની તપાસ એલસીબીને સોંપવામાં આવી છે અને ત્રણ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવતા ત્રણ દિવસના રિમાન્ડ પર સોંપવામાં આવ્યા છે. આ દરમિયાન આરોપીઓ પાસેથી અનેક ચોંકવાનારા ખુલાસાઓ અને ખનિજ માફિયાઓના નામ સામે આવે એવી સંભાવનાઓ છે.
આ પણ વાંચોઃ ગુજરાત નજીકના સુંદર ટાપુ પર રમાશે બીચ ગેમ્સ 2024, પ્રથમ વાર ભારતમાં આયોજન
બનાસકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published on: Dec 26, 2023 08:34 PM
