સાબરમતી નદીમાંથી રેતીની ચોરી મોટા પ્રમાણમાં થઈ રહી છે. જેને લઈ સ્થાનીક ખાણ ખનિજ વિભાગ તંત્ર જાણે કે ઉંઘતુ જ ઝડપાતુ હોય છે. હવે પ્રાંતિજ પોલીસ મથકે ખાણ ખનીજ વિભાગના રોયલ્ટી ઈન્સ્પેક્ટરે ફરિયાદ નોંધાવી છે કે, 16 કરોડ રુપિયાથી વધુની રેતીની ચોરી સાબરમતી નદીના પટમાંથી ચોરી થઈ છે. વાઘપુર ગામ વિસ્તારમાંથી નદીની રેતીની ચોરી આચરવામાં આવી હોવાની ફરિયાદમાં બતાવ્યુ છે કે, 8 જેટલા ખનીજ બ્લોક ફાળવેલા હતા અને જેમાંથી ચોરી આચરવામાં આવી છે.
જોકે હવે પોલીસ ફરિયાદ નોંધવાની કાર્યવાહી કરાતા ખનીજ ચોરોમાં ફફડાટ વ્યાપ્યો છે. સાબરમતી નદીના પટમાંથી રેતી ચોરી જનારાઓમાં હવે આકરી કાર્યવાહીનો ડર વ્યાપ્યો છે. પ્રાંતિજ પોલીસ મથકે રોયલ્ટી ઈન્સ્પેક્ટરે નોંધાવેલી ફરિયાદ મુજબ 4.93 લાખ મેટ્રીક ટન સાદી રેતીની ચોરી કરવામાં આવી છે. આ માટે 12 જેટલા ટ્રક ડમ્પરના ડ્રાયવરો અને માલીકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. જોકે હવે પોલીસ માત્ર ડમ્પરના ચાલકોથી જ સંતોષ માનશે કે, હવે રેતી ચોરી કરતા અસલી ચોરોને પણ ઝડપશે એ અંગે પણ સવાલ થઈ રહ્યા છે. પોલીસના અધિકારીઓ મુજબ મામલાની ઉંડી તપાસ હાથ ધરીને ખનીજ ચોરી સામે આકરી કાર્યવાહી કરવામાં આવશે.
Published On - 6:50 pm, Sun, 29 October 23