આગામી 4 દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ (rain) ની આગાહી (Forecast) છે. હવામાન વિભાગ (Meteorological Department) નું માનીએ તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ, નવસારી, તાપીમાં અતિભારે વરસાદની શક્યતા છે. તો સૌરાષ્ટ્રમાં રાજકોટ, ભાવનગર, જામનગર, ગીર સોમનાથમાં મેઘરાજા તોફાની બેટિંગ કરી શકે છે. અતિભારે વરસાદની આગાહીના પગલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે.. સાથે જ 4 દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી દેવાઈ છે. આ તરફ અમદાવાદમાં પણ આગામી 4 દિવસ સુધી વરસાદી માહોલ રહી શકે છે. હવામાન વિભાગે આગામી 12 અને 13 જુલાઈએ અમદાવાદમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.
બીજી બાજુ રાજ્યમાં મેઘમહેર યથાવત છે. જો કે, વારસાદે ક્યાક આફત પણ સર્જી છે. સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડ્યો છે. વરસાદના પગલે ખેડૂતોના ખેતર ધોવાયા છે. જૂનાગઢના માંગરોળમાં ધોધમાર વરસાદના પગલે ખેતરોમાં પાણી ભરાયાં છે. તો પોરબંદરનો સમગ્ર ઘેડ પંથક પણ પાણી પાણી થયો છે. ઘેડ પંથકમાં મોટાભાગના ખેતરોનો પાક દરિયામાં તણાયો છે. તો નવસારીના વાસફુઈ ગામે બનાવેલું ગરનાળુ તૂટી જતાં લોકો મુશ્કેલીમાં મુકાયા છે. આ ગરનાળુ લોકોએ ફાળો એકઠો કરીને બનાવ્યું હતું. તો આ તરફ વડોદરામાં હેરણ નદી પરનો રોડ ધોવાયો હતો. જ્યારે કચ્છના લખપતના બાલાપર ગામે કોઝ-વે ધોવાયો છે જેના કારણે સ્થાનિક લોકોને આવાગમનમાં ભારે મુશ્કેલી પડી રહી છે.
Published On - 7:22 am, Sun, 10 July 22