AHMEDABAD : શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીના નિવેદનને હાઈકોર્ટે શરમજનક ગણાવ્યું, જાણો શું છે સમગ્ર મામલો

|

Dec 18, 2021 | 9:16 AM

GUJARAT HC : શિક્ષણપ્રધાનના આ નિવેદનની જસ્ટિસ પારડીવાલા અને નિરલ મહેતાની ખંડપીઠે ગંભીર નોંધ લેતાં સુઓમોટો દાખલ કરી છે.

AHMEDABAD : રાજ્યની સરકારી પ્રાથમિક સ્કૂલોમાં બિલ્ડિંગના અભાવે ખુલ્લામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સ્થિતિની ગુજરાત હાઈકોર્ટે સૌથી મહત્ત્વપૂર્ણ અને ગંભીર નોંધ લીધી છે. છોટાઉદેપુરના વાગલવાડાની સ્કૂલનું બિલ્ડિંગ ધરાશાયી થયા બાદ ખુલ્લામાં ભણી રહેલા વિદ્યાર્થીઓની સ્થિતિ અંગે શિક્ષણપ્રધાન વાઘાણીએ એક નિવેદન આપ્યું હતું.શિક્ષણપ્રધાને કહ્યું હતું કે “અમે પણ શિયાળામાં ખુલ્લામાં જ ભણતા” આ નિવેદનને હાઇકોર્ટે શરમજનક ગણાવ્યું છે. 

શિક્ષણપ્રધાનના આ નિવેદનની જસ્ટિસ પારડીવાલા અને નિરલ મહેતાની ખંડપીઠે ગંભીર નોંધ લેતાં સુઓમોટો દાખલ કરી છે. આ બાબતે હાઇકોર્ટે બાળકોના ભણતરની સમસ્યાનો મુદ્દો ગંભીર હોવાનું અવલોકન કર્યું છે કે શિયાળાની ઠંડીમાં સ્કૂલની તૂટેલી ઇમારતને કારણે બાળકો ખુલ્લામાં ભણવા માટે મજબૂર બને એ ચલાવી લેવાય નહીં કારણ કે ખુલ્લામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પાસે ઠંડીથી બચવા માટે પૂરતાં કપડાં પણ નથી.

આ મુદ્દે રાજ્ય સરકારને નોટિસ પાઠવી શિક્ષણ વિભાગના એડિશનલ સેક્રેટરીથી ઉપરની કક્ષાના અધિકારીને કોર્ટ સમક્ષ પ્રત્યક્ષ હાજર રહી રિપોર્ટ આપવા માટે આદેશ કર્યો છે. સાથે જ હાલની સ્કૂલનું નવું બિલ્ડિંગ 6 મહિનામાં બનાવવા સરકારને વચગાળાનો હુકમ કર્યો છે.

આ પણ વાંચો : AHMEDABAD : મણિનગર રેલવે સ્ટેશન પર રેલ્વે અને ખોખરા પોલીસનું જનજાગૃતિ અભિયાન

આ પણ વાંચો : AHMEDABAD : ફરજિયાત રસીકરણ વિરુદ્ધની અરજી ફગાવી હાઈકોર્ટે અરજદારોને ઝાટક્યા

Published On - 8:01 am, Sat, 18 December 21

Next Video