Rajkot : ગોંડલના રામોદ ગામમાં યોજાયા અનોખા લગ્ન, વર -વધુએ કાળા કપડાં પહેરી સ્મશાનમાં ઊંધા ફેરા લીધા, જુઓ વીડિયો

|

Apr 17, 2024 | 5:09 PM

રાજકોટના રામોદ ગામમાં અનોખા લગ્ન યોજવામાં આવ્યા છે. રામોદમાં વર - વધુએ કાળા કપડા પહેરીને સ્મશાનમાં ઊંધા ફેરા લઈને લગ્ન કર્યા છે. એટલુ જ નહિં આ લગ્નમાં વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યા પણ હાજર રહ્યા હતા.

ગોંડલના રામોદ ગામમાં અનોખા લગ્ન યોજાયા છે. જ્યાં દુલ્હન અને વરરાજા કાળા કપડામાં સજ્જ થયા હતા.આ લગ્ન કોઈ મહેલ હોલ કે દરિયા કિનારે નહીં પરંતુ સ્મશાન યોજવામાં આવ્યા છે. વર-વધુએ સ્મશાનમાં ફેરા લીધા હતા. જાનૈયાઓ પણ કાળા કપડા પહેરીને આવ્યા હતા. જાનૈયાને ઉતારો પણ સ્મશાનમાં અપાયો હતો. આવા અનોખા લગ્નનું આયોજન કરીને રામોદના રાઠોડ પરિવારે સમાજમાં વ્યાપેલી અંધશ્રદ્ધાને દૂર કરવા કર્યા હતા.

રામોદ ગામની દીકરી પાયલ રાઠોડ અને જયેશ સરવૈયાના આ અનોખા લગ્ન પાછળની સ્ટોરી જોઈએ તો વર અને વધુના પરિવારે નક્કી કર્યું કે આપણે એવી રીતે લગ્નનું આયોજન કરીએ કે જેનાથી સમાજમાં કોઈ સારો સંદેશ જાય. આ અનોખા લગ્નમાં વર-વધૂએ પણ કાળા પરિધાન પહેર્યા છે.

લગ્નની પરંપરાઓને આપી તિલાંજલિ !

કોઈ ચોઘડિયા કે મુહૂર્ત જોયા વગર ઊંધા ફેરા ફરીને વર-વધુ લગ્નના બંધનથી જોડાયા. વર-વધુએ લગ્ન મંડપમાં સપ્તપદીના બદલે બંધારણનાં સોગંદ લીધા. મૂહૂર્ત, ચોઘડિયા, વસ્ત્રનો રંગ અને વર્ષોથી ચાલી આવતી પરંપરાને તિલાંજલિ આપી.

વૈજ્ઞાનિક અભિગમ ધરાવતા લોકોએ આ વિવાહને આવકાર્યા છે. વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યા પણ આ લગ્નમાં ઉપસ્થિત રહ્યા. તેમણે કહ્યું કે અંધશ્રદ્ધા નાબૂદ કરવા માટે આ લગ્ન એક ઉદાહરણરૂપ છે. લોકોએ વૈજ્ઞાનિક અભિગમ કેળવવો જોઈએ. કાળી વસ્તુ અશુભ છે, લગ્ન તો મુહૂર્તમાં જ થાય આ બધી ઉપજાવેલી વાતો છે. મુર્હુત-ચોઘડીયા માનવીએ બનાવેલ છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video