Morbi: 17 વિદ્યાર્થિનીઓ હોસ્ટેલ છોડીને ભાગી ગઇ, શિક્ષિકાઓ ઘરકામ કરાવતી હોવાનો આક્ષેપ

|

Sep 19, 2022 | 5:15 PM

મોરબીના (Morbi) હળવદમાં મેરુપર ગામે એક શાળાની હોસ્ટેલની (Hostel) બાળકીઓ પાસે શિક્ષિકા પોતાના બાળકો સાચવવા અને ઘરના કામ કરાવતી હોવાનો આક્ષેપ થયો છે.

સરકાર દ્વારા ભણશે તો આગળ વધશે ભારતના સ્લોગન હેઠળ બાળકોના શિક્ષણ (Education) પ્રત્યે જાગૃતિ વધારવા કેમ્પેઇન ચલાવવામાં આવે છે. જો કે બીજી તરફ શાળામાં અભ્યાસ કરવા આવેલા બાળકો પાસે શિક્ષકો ઘરનું કામ કરાવે તેવા આરોપો સાથેની ઘટના સામે આવી છે. મોરબીના (Morbi) હળવદમાં મેરુપર ગામે એક શાળાની હોસ્ટેલની (Hostel) બાળકીઓ પાસે શિક્ષિકા પોતાના બાળકો સાચવવા અને ઘરના કામ કરાવતી હોવાનો આક્ષેપ થયો છે.

શિક્ષિકા બાળકીઓ પાસે ઘરકામ કરાવતી હોવાનો આક્ષેપ

મોરબીના હળવદમાં બાળકોના શિક્ષણને લઇને સવાલ ઊભા કરતી ઘટના સામે આવી છે. આ ઘટના પરથી શિક્ષકો જ બાળકોને કામ કરાવે તો કેવી રીતે ગુજરાત ભણશે અને આગળ વધશે તેવો સવાલ ઊભો થઇ રહ્યો છે. મોરબીના હળવદના મેરુપર ગામે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં 50 વિદ્યાર્થીની હોસ્ટેલમાં રહી ભણે છે. જ્યાં શિક્ષિકાઓ વિદ્યાર્થિનીઓને ત્રાસ આપી રહી હોવાનો આક્ષેપ થયો છે. શિક્ષિકાઓ વિદ્યાર્થિનીઓ પાસે ઘરકામ અને બાળકો સાચવવાનું કામ કરાવતી હોવાના આક્ષેપ થયો છે.

17 વિદ્યાર્થિનીઓ હોસ્ટેલ છોડીને ભાગી ગઇ

આક્ષેપ છે કે ધોરણ 8માં ભણતી બાળકીઓને કેટલીક શિક્ષિકા પોતાનાં બાળકો સાચવવા અને ઘરના કામની વેઠ સાથે ફૂટપટ્ટીથી મારપીટ કરતી હતી. જેથી કંટાળી 17 વિદ્યાર્થિનીઓ હોસ્ટેલ છોડીને ભાગી ગઇ હતી. સમગ્ર બનાવની જાણ થતાં ઇન્ચાર્જ અધિકારીને દોડી આવ્યા હતા. પરંતુ તેમને કાર્યવાહીને બદલે શિક્ષિકાઓનો પક્ષ લીધો હતો.

હેડ ટીચરના ગંભીર આક્ષેપ

તો બીજી તરફ વોર્ડન અને હેડ ટીચર અમૃતા સોલંકીએ ઉચ્ચ અધિકારીઓ પર ગંભીર આરોપ લગાવ્યાં છે. તેમનું કહેવું છે કે વિદ્યાર્થિનીઓની તબિયતને લઇને અને તેમની પાસે કામ કરાવાતું હોવાની વારંવાર રજૂઆત કરવા છતાં કોઇ સાંભળવા તૈયાર નથી. એટલું જ નહીં તેમને પણ ધમકી આપતા હોવાનો આક્ષેપ વોર્ડન અને હેડ ટીચરે લગાવ્યો.

Next Video