સુરેન્દ્રનગર જિલ્લો અનેક લોક સંસ્કૃતિ અને લોકકલા, લોકનૃત્યો અને લોકજીવન માટે જાણીતો છે. ખાસ કરીને અહીંના ભરવાડ સમાજના યુવાનો દ્વારા રમવામાં આવતા રાસ, હુડો, ગોફરાસ જોનારના સહુ કોઈના ઉડીને આંખે વળગે તેવા હોય છે અને જોનારને મંત્રમુગ્ધ કરી દે છે. આવા રાસ માટે સુરેન્દ્રનગર જિલ્લાની થાનની રાસ મંડળી જય ગોપાલ રાસ મંડળ અને પાંચાલ રાસ મંડળના સભ્યો 26 જાન્યુઆરીએ પ્રજાસત્તાક પર્વના કાર્યક્રમ માટે પસંદગી પામ્યા છે.
માલધારી સમાજની પરંપરાગત લોક સંસ્કૃતિને જાળવવાના હેતુથી છેલ્લા ઘણા વર્ષોથી રાસ મંડળ ચલાવવામાં આવે છે. જેમા ભગવાન શ્રી કૃષ્ણની રાસ લીલા મુખ્ય છે. શ્રીકૃષ્ણ જ્યારે ગોકુળ, વૃંદાવનમાં ગાયો ચરાવવા જતા ત્યારે તેમના ગોપ મિત્રો અને ગોપીઓ સાથે અનેક પ્રકારના રાસ રમતા, તે રાસ આ મંડળ દ્વારા આજે પણ જીવંત રાખવામાં આવ્યા છે અને અન્ય યુવાનોને પણ તે શીખવવામાં આવી રહ્યા છે.
આ રાસ મંડળી હુડો રાસ, ગૌહ રાસ, ત્રણ તાળી, ટીટોડા રાસ રજૂ કરે છે. આ ગૃપ વિવિધ કાર્યક્રમો થકી સંસ્કૃતિને ઉજાગર કરવાનું કામ કરે છે. સુરેન્દ્રનગરમાં આયોજિત થતા સૌથી મોટા તરણેતરના મેળામાં પણ આ રાસ મંડળ દર વર્ષે તેમનો રાસ રજૂ કરે છે. તેમના રાસમાં અસલી ઝાલાવાડ સંસ્કૃતિની ઝાંખી થાય છે. ત્યારે પ્રજાસત્તાક પર્વની પરેડમાં પણ આ મંડળી ઝાલાવાડ રાસ રજૂ કરવાની છે. આ કલાકારો દિલ્હીના લાલ કિલ્લા પર ઝાલાવાડી રાસ, દુહા, છંદ સાથે રજૂ કરી ઝાલાવાડી સંસ્કૃતિની જમાવટ કરશે.
Published On - 6:50 pm, Fri, 24 January 25