Breaking News : ઘૂંટણસમા પાણી વચ્ચે ગર્ભવતી મહિલાનું દિલધડક રેસ્ક્યૂ! પોલીસ બન્યા દેવદૂત, જુઓ-Video
પાટડી તાલુકાના ગ્રામીણ અને નિચાણવાળા વિસ્તારમાં ભારે વરસાદને કારણે તમામ વિસ્તારમાં પાણી ભરાઈ જતાં જનજીવન પ્રભાવિત થયું હતું. આ દરમિયાન એક સગર્ભા મહિલાને અચાનક પ્રસવ પીડા ઉપડતાં પરિવારજનો ચિંતામાં મુકાઈ ગયા હતા.
સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે પાટડી પોલીસ દ્વારા માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. જળબંબાકારની સ્થિતિ વચ્ચે ફસાયેલી એક ગર્ભવતી મહિલાનું પોલીસ ટીમે દિલધડક રેસ્ક્યૂ કરીને તેને સુરક્ષિત રીતે હોસ્પિટલ પહોંચાડી હતી. પોલીસની આ સરાહનીય કામગીરીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
સગર્ભા મહિલાનું દિલધડક રેસ્ક્યૂ
મળતી માહિતી મુજબ, પાટડી તાલુકાના ગ્રામીણ અને નિચાણવાળા વિસ્તારમાં ભારે વરસાદને કારણે તમામ વિસ્તારમાં પાણી ભરાઈ જતાં જનજીવન પ્રભાવિત થયું હતું. આ દરમિયાન એક સગર્ભા મહિલાને અચાનક પ્રસવ પીડા ઉપડતાં પરિવારજનો ચિંતામાં મુકાઈ ગયા હતા.
સુરેન્દ્રનગર થયું પાણી પાણી
ચારેય તરફ વરસાદી પાણી ભરાઈ જતાં 108 એમ્બ્યુલન્સ તેમજ અન્ય કોઈ વાહન સ્થળ સુધી પહોંચી શકે તેવી સ્થિતિ નહોતી. મહિલાની સ્થિતિ ગંભીર બનતાં પરિવારજનોએ પાટડી પોલીસનો સંપર્ક કર્યો હતો.
પોલીસ બન્યા દેવદૂત
માહિતી મળતા જ પાટડી પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે ભારે જહેમત ઉઠાવી ગર્ભવતી મહિલાને ખાટલામાં બેસાડીને ઘૂંટણસમા વરસાદી પાણીમાંથી પસાર કરી સુરક્ષિત રીતે હોસ્પિટલ પહોંચાડી હતી.
પોલીસની સમયસૂચકતા અને માનવતાભર્યા પ્રયાસોના કારણે મહિલાને સમયસર સારવાર મળી શકી હતી. ભારે વરસાદ અને આકાશી આફત વચ્ચે પાટડી પોલીસની આ કામગીરીની સ્થાનિકો સહિત સોશિયલ મીડિયા પર પણ વ્યાપક પ્રશંસા થઈ રહી છે.