Surat: ભાજપ કાર્યાલય પર બબાલ મુદ્દે ગોપાલ ઇટાલિયા સહિત 10 લોકોની ધરપકડ, રાયોટિંગનો ગુનો નોંધાયો

|

May 02, 2022 | 9:47 PM

સુરત પાલિકા કટેરીમાં ઘરણા પર બેઠેલા આમ આદમી પાર્ટીના કાર્યકરો પર થયેલા દમનના વિરોધમાં સુરતમાં ભાજપ કાર્યલય પર વિરોધ કરવા ગયેલા આમ આદમી પાર્ટીના કાર્યકરો અને ભાજપના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયુ હતુ. જેના પગલે પોલીસે આ ધરપકડ કરી છે

સુરતમાં ભાજપ કાર્યાલય પર બબાલ મુદ્દે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા સહિત 10 લોકોની ઉધના પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ તમામ સામે રાયોટિંગનો ગુનો નોંધાયો છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા અને મહામંત્રી મથુર ભાઈ સહિત 16 લોકો સામે રાયોટિંગનો ગુનો નોંધાયો છે. મહત્વનું એ છે કે સુરત પોલીસ જ ફરિયાદી બની છે.

સુરતમાં આમ આદમી પાર્ટીના નગરસેવકો પાલિકા કચેરીમાં ધરણાં પર બેઠા હતા ત્યારે પાલિકાએ પોલીસે બોલાવી બળજબરીથી તમામને બહાર કાઢ્યા હતાં. આ વખતે પોલીસ અને નગરસેવકો વચ્ચે ધક્કામુક્કી થઈ હતી. ધક્કામુક્કીમાં મહિલા નગર સેવકના કપડાં પણ ફાટ્યાં હતાં. ધક્કામુકીમાં એક નગર સેવકનું ગળું દબાવ્યું હોવાનો પણ આક્ષેપ કરાયો હતો.

આ ઘટનાના વિરોધમાં સુરતમાં ભાજપ કાર્યલય પર વિરોધ કરવા ગયેલા આમ આદમી પાર્ટીના કાર્યકરો અને ભાજપના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયુ હતુ. જેમાં પૂર્વ કોર્પોરેટર દિનેશ કાછડીયાને માર મરાયો હતો અને ગોપાલ ઇટાલીયા સાથે પણ ટપલીદાવ થયો હતો.

બીજી બાજુ આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો અને કાર્યકરો પોલીસ કમિશ્નર કચેરી પહોંચ્યા હતા. પાલિકા કચેરી ખાતે આપ કોર્પોરેટરો સાથે બનેલી ઘટનાને લઈ પોલીસ કમિશ્નર કચેરી પહોંચ્યા હતા અને પોલીસ દ્વારા કોર્પોરેટરોને માર મારવાની ઘટનાને પગલે રજૂઆત કરી હતી કે પોલીસ દ્વારા કોર્પોરેટરોને માર મારવા છતાં ફરિયાદ નથી લેવાઈ રહી. આ ઉપરાંત જીલ્લા કલેક્ટર કચેરી ખાતે પણ આમ આદમી પાર્ટી દ્વારા સુરત પોલીસની દાદાગીરી અને દમન સામે ઉગ્ર રજૂઆત કરી હતી. જીલ્લા કલેક્ટર કચેરી ખાતે ભાજપ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રોષ દાખવ્યો હતો.

Published On - 7:01 pm, Mon, 2 May 22

Next Video