Surat: સણીયા હેમાદ ઈન્ડસ્ટ્રીઝમાં લાગેલી આગમાં ચોંકાવનારો ખૂલાસો, ઓછો પગાર મળતા કર્મચારીએ જ લગાવી આગ

|

Sep 06, 2022 | 7:47 PM

Surat: સુરતની સણીયા હેમાદ ટેક્સ્ટાઈલ ઈન્ડસ્ટ્રીઝમાં લાગેલી આગમાં ચોંકાવનારો ખૂલાસો થયો છે. આગની ઘટનામાં સામે આવેલા સીસીટીવી ફુટેજને આધારે કારખાનાના કર્મચારીએ જ આગ લગાવી હોવાનું સામે આવ્યુ છે.

સુરત (Surat)માં સણિયા હેમાદ ઈન્ડસ્ટ્રીઝમાં લાગેલી આગ (Fire)માં મોટો ખૂલાસો થયો છે. કારખાનામાં કામ કરતા કર્મચારીએ જ આગ લગાવી હોવાનું સામે આવ્યુ છે. કારખાનામાં કામ કરતા કર્મચારીને ઓછો પગાર મળતા ગોડાઉનમાં આગ લગાવી દીધી હતી. 10 દિવસ પહેલા લાગેલી આગના સીસીટીવી(CCTV) ફુટેજ સામે આવ્યા છે. જેમાં કારખાનાનો કર્મચારી આગ લગાવતો જોવા મળ્યો છે. ઓછા પગાર મળતા કર્મચારીએ કાપડનું ગોડાઉન સળગાવી નાખ્યુ. જો કે આગની ઘટનાના પગલે કારખાનાના માલિકને 78 લાખ રૂપિયાનું નુકસાન થયુ છે. ગોડાઉનમાં આગથી ત્યાં રહેલ કાપડ બળીને ખાખ થઈ ગયુ હતુ. આ સીસીટીવી ફુટેજ સામે આવ્યા બાદ હવે સ્પષ્ટતા થઈ છે કે કારખાનાના જ કર્મચારીએ આગ લગાવી હતી.

આગ લગાવનાર કારીગરે ત્રણ દિવસ પહેલા જ છોડી હતી નોકરી

આપને જણાવી દઈએ કાપડના કારખાનામાં પૂર્વ કારીગરે જ આગ લગાવી હતી. સમગ્ર ઘટનાની હકીકત એવી છે કે ગોડાઉનના માલિક અશ્વિનભાઈના પુત્ર કૃણાલ પાસે આગ લગાવનાર કારીગર એજાઝ અહેમદે પગાર કરતા વધારાના બીજા 10 હજારની માગણી કરી હતી. પરંતુ કૃણાલે 10ની જગ્યાએ પગાર કરતા વધારાના 5 હજાર આપ્યા હતા, તેમ છતા એજાજે ઉશ્કેરાઈને સવારે 5 વાગ્યા આસપાસ ગોડાઉનમાં રહેલા ઈન પ્રોસેસ સ્ટોક ઉપર પ્રવાહી છાંટી આગ લગાવી હતી. જેના કારણે ગોડાઉનના માલિકને 78 લાખ રૂપિયાનું નુકસાન થયુ છે. જેમાં પ્યોર જોર્જટ ફેબ્રિક અને પ્રિન્ટેડ જોર્જટ સહિતનો કાપડનો માલ બળીને ખાક થઈ ગયો હતો.

કારીગર એઝાઝે ત્રણ દિવસ પહેલા જ નોકરી છોડી હતી. તે છેલ્લા બે મહિનાથી કારખાનામાં કામ કરતો હતો, પરંતુ આગ લગાવી તેના ત્રણ દિવસ પહેલા જ તેને વતન જવાનું હોવાથી નોકરીમાંથી છૂટો થયો હતો. એ પહેલા પગારમાં તેમણે પગાર કરતા 10 હજાર વધારાના માગ્યા હતા, જેમાં 5000 ઓછા આપતા કારીગરે આવેશમાં આવી જઈ આગ લગાવી દીધી હતી.

Next Video