Surat : એક તરફ ગુનાખોરીને કાબુમાં કરવા સુરત પોલીસ રાત દિવસ પરસેવો પાડી રહી છે. શહેરના વધતા વિસ્તાર પ્રમાણે અને જુના પોલીસ સ્ટેશનોની (Police Station) ઇમારતો જર્જરિત બનતા નવા પોલીસ ભવન પણ બનાવવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. પરંતુ સુરતના સરથાણા વિસ્તારના લોકો પોતાના જ વિસ્તારમાં બની રહેલા પોલીસ મથકની સામે નારાજ છે. હકીકત એવી છે કે સુરતના સરથાણા વિસ્તારમાં લગભગ 30 સોસાયટીઓ આવેલી છે. અહીં સરેરાશ એક લાખ કરતા પણ વધારે લોકોની વસ્તી છે.
આ વિસ્તારમાં ટીપી 22 માં પ્લોટ નંબર 74માં પોલીસ સ્ટેશન બનાવવાનું કામ મંજુર થયું છે. અહીં લોકોએ શાંતિકુંજ બનાવવા માંગણી કરી હતી. છતાંય અહીં આ જગ્યા પર પોલીસ સ્ટેશન મંજુર કરવામાં આવ્યું છે. લોકોનું કહેવું છે કે રેસિડેન્સીયલ સોસાયટીમાં પોલીસ સ્ટેશન યોગ્ય નથી. આ મેઇન રોડથી લગભગ 200-250 ફૂટ અંદર છે અને ચાર સોસાયટીની વચ્ચોવચ્ચ આ જગ્યા આવેલી છે. છતાં અહીં પોલીસ સ્ટેશન મંજુર કરવામાં આવ્યું છે.
આ બાબતે છ મહિનાથી રજૂઆતો કરવામાં આવી રહી છે. છતાંય તેને ધ્યાનમાં લેવામાં આવી નથી. જેથી હવે આ વિસ્તારના લોકોએ ધરણા નો માર્ગ અપનાવ્યો છે. અને અહીં પોલીસ સ્ટેશન બનવાની કામગીરી સામે વિરોધ વ્યક્ત કરી રહ્યા છે. આવનાર દિવસોમાં જો જરૂર લાગે તો ઉચ્ચ કક્ષાએ પણ આ બાબતે ફરિયાદ કરવામાં આવશે તેવું સ્થાનિકોએ ઉમેર્યું હતું.