સુરત શહેરમાં બોગસ પેઢીઓ સામે GST વિભાગે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. જેના ભાગરૂપે જીએસટી વિભાગની ટીમે વધુ 14 પેઢીઓના ધંધાકીય સ્થળો પર તપાસ હાથ ધરી હતી. જે દરમિયાન તમામ પેઢીઓ બોગસ નીકળી હતી.14 પૈકી બે પેઢીઓના શકમંદો જ જીએસટી વિભાગની ટીમને હાથ લાગ્યા છે. જ્યારે બાકીના 12 પેઢીઓના શકમંદ સંચાલકો ફરાર છે.
પ્રાથમિક તપાસમાં 14 પેઢીઓ પૈકી 4 પેઢીઓના ડોક્યુમેન્ટ નકલી હોવાનો ખુલાસો થયો છે. જ્યારે 10 પેઢીઓએ ડોક્યુમેન્ટનો દુરુપયોગ કર્યો હોવાનું બહાર આવ્યું છે. ઉપરાંત બોગસ પેઢીઓએ કુલ 195.95 કરોડના બોગસ બિલ ઈસ્યુ કરાવી કુલ 28.89 કરોડની વેરાશાખ પાસઓન કરી હોવાનું તપાસમાં ખુલ્યું છે. હાલ બોગસ પેઢીઓના ફરાર સંચાલકોની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે GST એક એવો કર છે, જે ભારતમાં ઉત્પાદનો અને સેવાઓની સપ્લાય પર વસૂલવામાં આવે છે. અગાઉના પરોક્ષ કર (VAT), સર્વિસ ટેક્સ, પરચેઝ ટેક્સ, એક્સાઇઝ ડ્યુટી અને અગાઉના ઘણા પરોક્ષ કરને બદલવા માટે 2017 માં તેનો અમલ કરવામાં આવ્યો હતો. ભારતમાં જીએસટી માટે નોંધણીની મર્યાદા અગાઉ 20 લાખ રૂપિયા હતી. હવે તે વધારીને 40 લાખ રૂપિયા કરવામાં આવી છે. હવે રૂ. 40 લાખથી વધુનું ટર્નઓવર ધરાવતા તમામ વ્યવસાયો માટે જીએસટી નોંધણી કરાવવી જરૂરી છે.
આ પણ વાંચો: GST કલેક્શન સરકારને મોટી સફળતા, ડિસેમ્બરમાં ટેક્સ કલેક્શનમાં 15 ટકાનો વધારો
નાણા મંત્રાલયના જણાવ્યા અનુસાર ડિસેમ્બર 2022માં GSTની આવક 15 ટકા વધીને રૂ. 1.49 લાખ કરોડને પાર કરી ગઈ છે. મંત્રાલયે નિવેદનમાં જણાવ્યું છે કે ડિસેમ્બર 2022 દરમિયાન કુલ જીએસટી આવક 1,49,507 કરોડ રૂપિયા એકત્ર થઈ છે. જેમાં સીજીએસટી રૂ. 26,711 કરોડ, એસજીએસટી રૂ. 33,357 કરોડ, આઇજીએસટી રૂ. 78,434 કરોડ (જેમાં માલની આયાત પર એકત્ર કરાયેલા રૂ. 40,263 કરોડનો સમાવેશ થાય છે) અને સેસ રૂ. 11,005 કરોડ (માલની આયાત પર એકત્રિત કરાયેલા રૂ. 850 કરોડ સહિત) રહ્યુ છે.