Surat: રિંગરોડ વિસ્તારમાં ફર્યુ મનપાનું બુલડોઝર, નડતરરૂપ મંદિર અને દરગાહનું દબાણ દૂર કરાયુ

|

Oct 22, 2022 | 7:49 PM

Surat: શહેરમાં રિંગરોડ વિસ્તારમાં સહારા દરવાજા પાસે આવેલ દરગાહ અને મંદિર પર મનપાનું બુલડોઝર ફરી વળ્યુ છે. લોકોના રોષ અને વિરોધને ખાળવા માટે મધરાત્રે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આ ડિમોલિશનની કામગીરી કરવામાં આવી હતી.

સુરત (Surat)માં મોડીરાત્રે રસ્તા પરના દબાણ પર મનપા (SMC)નું બુલડોઝર ફર્યું. શહેરના રિંગરોડ વિસ્તારમાં સહારા દરવાજા નજીક રસ્તા પર જુનુ મંદિર અને દરગાહનું દબાણ દૂર કરવામાં આવ્યું. છેલ્લા ઘણા સમયથી રસ્તા પર દબાણને પગલે વાહનચાલકોને મુશ્કેલી પડતી હતી. મહત્વપૂર્ણ છે કે કાયદો વ્યવસ્થાની સ્થિતિ ન કથળે તે માટે ચુસ્ત પોલીસ (Police) બંદોબસ્ત તૈનાત કરાયો હતો અને શાંતિપૂર્ણ માહોલમાં દબાણ દૂર કરવાની કામગીરી કરાઈ હતી.

સહારા દરવાજા પાસે ઓવરબ્રિજને નડતરરૂપ ધાર્મિક સ્થાનોને તોડી પાડવામાં આવ્યા છે. મોડી રાત્રે મનપા દ્વારા દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રીંગરોડ સ્થિત સહારા દરવાજા પાસે આ ડિમોલિશન હાથ ધરવામાં આવ્યુ હતુ. જેમાં વર્ષો જૂના મંદિર અને દરગાહનું દબાણ દૂર કરવામાં આવ્યુ છે. આ સાથે રિંગરોડ વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ કરાયેલા દબાણો પણ દૂર કરવામાં આવ્યા છે. જેમાં ગેરકાયદે ઉભી કરેલી દુકાનો અને મકાનોને પણ દૂર કરવામાં આવ્યા છે. વર્ષો જૂની બી.બી. અમ્માની મસ્જિદ (દરગાહ) અને કાળી માતાનું મંદિરનું ડિમોલિશન થયુ છે.

છેલ્લા ઘણા સમયથી રોડ વચ્ચે આવેલા નડતરરૂપ દરગાહ અને મંદિર હટાવવાની માગ હતી. પરંતુ અનેકવાર વિરોધને પગલે આ કામગીરી અટકી જતી હતી. સુરત મહાનગરપાલિકા દ્વારા મોડી રાત્રે આ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ સાથે ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો પણ સાથે રાખવામાં આવ્યો હતો. કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે તેના ભાગરૂપે રિંગરોડ વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
ઈનપુટ ક્રેડિટ- બલદેવ સુથાર- સુરત

Published On - 7:48 pm, Sat, 22 October 22

Next Video