Rajkot : ભાજપના અગ્રણીના પુત્રની દાદાગીરી, ઓફિસમાં તોડફોડ કરી સગા માસાને આપી ધમકી

|

May 23, 2022 | 12:56 PM

કેટલાક દિવસથી ભાજપ(BJP) આગેવાન નાગદાનના પુત્ર સુરેશે ફરીથી નાણાંની ઉઘરાણી શરૂ કરી હતી અને 1.25 કરોડ રૂપિયા આપવા પડશે તેમ કહી ધમકાવવાનું શરૂ કર્યું હતું

રાજકોટના (Rajkot) ગાંધીગ્રામમાં ભાજપના અગ્રણી નાગદાન ચાવડાના (Nagdan Chavda)પુત્રની દાદાગીરી સામે આવી છે. રામાપીર ચોક નજીક નાગદાન ચાવડાના પુત્ર સુરેશે સગા માસાને જાનથી મારી નાખવાની ધમકી આપી અને ઓફિસમાં તોડફોડ કરી. માસાની ઓફિસમાં જઈને તેણે 1.25 કરોડ રૂપિયા માગ્યા અને નહીં આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપી. સુરેશના (Suresh Chavda) માસા નિર્મળ ડાંગર તેમના મોટાભાઈની સાથે ભાગીદારીમાં ઓફિસ ધરાવે છે. તમને જણાવી દઈએ કે, નાગદાન ચાવડા તેમના સગા સાઢુ થાય છે. નાગદાન ચાવડાના પુત્ર સુરેશે વર્ષ 2017માં નિર્મળ ચાવડાના મોટાભાઈ મહિપતને 39 લાખ રૂપિયા આપ્યા હતા અને 8 મહિના બાદ જ 1.92 કરોડ રૂપિયાની ઉઘરાણી કરી હતી.

સુરેશ સાઢુનો પુત્ર થતો હોવાથી પરિવારમાં માથાકૂટ થાય નહીં તે માટે તેમણે નાણા ચૂકવી આપ્યા હતા અને તે અંગેનું લખાણ પણ કરાવી લીધુ હતુ. તેમ છતાં કેટલાક દિવસથી ભાજપ આગેવાન નાગદાનના પુત્ર સુરેશે ફરીથી નાણાંની ઉઘરાણી શરૂ કરી હતી અને 1.25 કરોડ રૂપિયા આપવા પડશે તેમ કહી ધમકાવવાનું શરૂ કર્યું હતું.

આ પહેલા ભાજપના આગેવાનની દાદાગીરી સામે આવી હતી

આ પહેલા રાજકોટના પડધરી તાલુકાના મોવિયા ગામે ભાજપના આગેવાનની દાદાગીરી સામે આવી હતી. BJP આગેવાન ધીરુભાઈ તળપદાએ (Dhirubhai Talpada) પીજીવીસીએલના ડેપ્યુટી એન્જિનિયર (PGVCL DY Engineer) પર હુમલો કર્યો હતો. બાદમાં ઈજાગ્રસ્ત થયેલા એન્જિનિયરને રાજકોટની વોકહાર્ટ હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી હતી. મળતી માહિતી મુજબ વીજ ચેકિંગ દરમિયાન PGVCLના એન્જિનિયરને ભાજપના આગેવાને લાફા માર્યા હતા.ધીરુભાઈના પ્લાન્ટ અને ઘરમાં ચેકીંગ દરમિયાન તેણે આ હુમલો કર્યો હતો.

Next Video