SURAT : સુરતમાં ડ્રગ્સ અને માદક પદાર્થો અને તેની હેરફેર અને વેચાણને ઝડપી પાડવામાં વધુ એક સફળતા મળી છે. સુરત SOGએ 35 કિલો ગાંજા સાથે 2 આરોપીઓની ધરપકડ કરી છે. SOGએ દુકાનમાં છૂપાવેલો 35 કિલોથી વધુનો ગાંજો જપ્ત કર્યો છે. આ સાથે જ ગાંજાનો વેપાર કરનારા બે આરોપીને પોલીસે ઘટનાસ્થળેથી જ ઝડપી પાડ્યા છે. આરોપીઓએ ગાંજાનો વેપાર કરવા માટે અને હેરફેર કરવા માટે દુકાન ભાડે રાખી હતી અને વિવિધ વિસ્તારમાં ગાંજો સપ્લાય કરવાના હતા. SOGની ટીમે 3.58 લાખની કિંમતનો ગાંજાનો જથ્થો કબ્જે કર્યો છે અને આરોપીઓ વિરોધ કાયદેસરની કાર્યવાહી કરી છે.
આ પહેલા પણ સુરતમાંથી ગાંજો પકડાવાની ઘટના સામે આવી ચુકી છે. ગત ડીસેમ્બર મહિનામાં સુરત સેન્ટ્રલ બસ સ્ટેન્ડ નજીક પાન-મસાલાના ગલ્લાની આડમાં ગાંજાનું વેચાણ કરનારા બે મહિલા અને બે પુરુષની ધરપકડ કરી હતી તેમજ આ દુકાને ગાંજો લેવા આવનાર એક આરોપીની પણ અટકાયત કરી હતી. પૂછપરછમાં સામે આવ્યું હતું કે આ આરોપીઓ ગાંજાનો જથ્થો ઓરિસ્સાથી મંગાવતા હતા. પોલીસે 39 કિલો ગાંજાનો જથ્થો જપ્ત કર્યો હતો.
તો ગત જુલાઈ મહિનામાં સુરત SOG પોલીસે સાકી ગામમાંથી કરોડોનો ગાંજો પકડી પાડ્યો હતો. SOGને મળેલી બાતમીને આધારે ગામનાં એક એપાર્ટમેન્ટનાં બીજા માળે આવેલા 204 નંબરનાં ઘરમાંથી 1143 કિલોગ્રામનો ગાંજાનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો. પોલીસે આ ગાંજાકાંડમાં સંડોવાયેલા મુખ્ય આરોપી વિકાસ બુલીની ધરપકડ કરી હતી અને અન્ય ત્રણ આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યાં હતા. આ 1143 કિલોગ્રામ ગાંજાની બજાર કિંમત 1 કરોડ અને 15 લાખ આંકવામાં આવી હતી. આ આરોપીઓ ઓડિશાથી મોટા જથ્થામાં ગાંજો લાવીને સુરતમાં છૂટક વેચતા હતા.
આ પણ વાંચો : અમદાવાદમાં સ્ટોન કિલિંગનો અરેરાટી ભર્યો કિસ્સો, પથ્થર વડે યુવાન મોઢું છૂંદી હત્યારો ફરાર
આ પણ વાંચો : રાજ્યની શાળાઓમાં કોરોનાના આંકડા ચિંતાજનક, એક જ દિવસમાં આટલા વિદ્યાર્થી-શિક્ષકોને કોરોના થતાં હડકંપ