સુરત એરપોર્ટ (Surat Airport) ૫૨ અગાઉ બર્ડહિટની અનેક ઘટનાઓ બની છે. બફેલો હિટની ઘટનાઓ પણ સામે આવેલી છે. અનેક વખત સુરત એરપોર્ટ પર મોટી દુર્ઘટનાઓ થતા અટકી છે. આમ છતા તંત્ર દ્વારા તેમાંથી કોઇ બોધપાઠ લેવામાં ન આવ્યો હોય તેવો ઘાટ ફરી જોવા મળી રહ્યો છે. એરપોર્ટ પર રનવે (Airport Runway )ને અડીને જ 2 થી 3 ફૂટ ઊંચું ઘાસ અને ઝાડીઝાંખરા ઊગી નીકળ્યા છે. જે દુર્ઘટનાને (Accident) આમંત્રણ આપવાની રાહ જોતા હોય તેવુ જોવા મળી રહ્યુ છે.
સુરત એરપોર્ટ પર અગાઉ 52 જેટલી બર્ડહિટની ઘટના બની ચૂકી છે. એરપોર્ટ પર શ્વાન અને બિલાડી જેવા પશુઓ સંતાયેલા દેખાતા તેને પકડવાના બનાવો પણ બન્યા છે. બફેલો હિટની ઘટનાઓ પણ પ્રકાશમાં આવેલી છે. આમ છતા હજુ પણ જાણે મોટી દુર્ઘટનાઓને આમંત્રણ આપતી આવી બીજી બેદરકારીઓ પણ જોવા મળે છે. વી વર્ક ફોર વર્કિંગ એરપોર્ટ ગ્રુપ દ્વારા એરપોર્ટ ઓથોરિટીને પત્ર લખી 2 થી 3 ફૂટ ઊંચુ ઘાસ કાપવા રજૂઆત કરવામાં આવી છે. આ સાથે વી વર્ક ફોર વર્કિંગ એરપોર્ટ ગ્રુપના સભ્ય લીનેશ શાહે સોશિયલ મીડિયાના વિવિધ ગ્રુપમાં પણ ઝાડી ઝાંખરાંનો ફોટો મુક્યો છે. આ ફોટાને નજીકથી જોતા જણાઇ રહ્યું છે કે, રનવેને અડીને જ 2થી 3 ફૂટ ઊંચુ ઘાસ અને ઝાડી ઝાંખરા ઊગી નીકળ્યા છે. આ તસવીર ટચ ડાઉન અને ટેક ઓફ પોઇન્ટની જ હોવાનું જણાઈ રહ્યુ છે. જે સલામતીની દૃષ્ટિએ યોગ્ય નથી.
સુરત એરપોર્ટ તંત્રએ અગાઉની ઘટનાઓમાંથી કોઈ બોધપાઠ લીધો નથી એવું ચિત્ર ઉપસી રહ્યું છે. રનવેથી 15-20 ફૂટ દૂર સુધી ઝાડી-ઝાંખરા હોય તો તેનાથી કોઇ સમસ્યા ઊભી થતી નથી. જો કે અહીંના દ્રશ્યો કઇક અલગ છે. ઝાડી ઝાંખરા રનવેની ખૂબ જ નજીક છે. જેના કારણે સાપ,પક્ષીઓ કે પ્રાણીઓ અહીં સંતાઈ રહેલા હોય તો અચાનક રનવે પર બહાર આવી શકે છે અને દુર્ઘટના થવાની સંભાવના છે. જેથી વી વર્ક ફોર વર્કિંગ એરપોર્ટ ગ્રુપ દ્વારા એરપોર્ટ ઓથોરિટીને પત્ર લખી સલામતીના કારણસર ઘાંસ-ઝાડીઓને તાત્કાલિક દૂર કરવું જોઈએ તેવી માગ કરવામાં આવી છે.
આ પણ વાંચો-
આ પણ વાંચો-