બનાસકાંઠામાં ભારે વરસાદને કારણે તબાહીના દ્રશ્યો સામે આવ્યા, જુઓ Video
બનાસકાંઠામાં વાવાઝોડાની અસરથી ભારે પવન અને વરસાદ નોંધાયો છે. થરાદમાં વરસાદી માહોલને કારણે ભારે તારાજી સર્જાઈ છે. ગામના રસ્તાઓ, હાઈવે સહિત અનેક જગ્યાએ પાણી ભરાયા છે. કેટલીય જગ્યાએ વૃક્ષો-વીજપોલ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે.
વરસાદને કારણે ખેતરો જળમગ્ન થયા છે. મુખ્ય માર્ગોની આસપાસ આવેલા ખેતરોમાં વરસાદી પાણી ભરાતા જાણે તળાવ ભરાયું હોય તેવું લાગી રહ્યું છે. બીજી તરફ ભાભર ગામની બજારોની પણ સ્થિતિ કંઈક આવી જ છે.
બનાસકાંઠામાં ભારે વરસાદને કારણે તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે. ભારેથરાદમાં પણ ભારે વરસાદ અને ભરાયેલા પાણીને કારણે મોટાભાગની બજારો આંશિક બંધ જોવા મળી. તો થરાદમાં સાંચોર હાઈવે નજીક પાણી ભરાવાને કારણે રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાયા છે. વરસાદની સીધી અસર જનજીવન પર થઈ છે. ખાસ કરીને બનાસકાંઠાના થરાદ, લાખણી, ભાભર સહિતના તાલુકામાં અતિભારે પવન સાથે વરસાદને પગલે અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ પણ બની હતી.
બનાસકાંઠામાં ભારે વરસાદને પગલે વિવિધ હાઈવેની સ્થિતિ ખૂબ જ ખરાબ છે. અમદાવાદ-પાલનપુર હાઈવે પર પાણી પાણી થઈ ગયો છે. હાઈવે ઉપર ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે. હાઈવે પર એક તરફનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. જેના કારણે અનેક વાહનચાલકો અટવાઈ ગયા છે. તો મહાકાય વૃક્ષ અને શેડ તૂટી પડવાને કારણે થરાદ-ડીસા હાઇવે સંપૂર્ણ પણે બ્લોક થઈ ગયો છે.
આ પણ વાંચો : નડાબેટમાં BSFની ચોકી ક્ષતિગ્રસ્ત, MLA ગેનીબેન ઠાકોરે ચિંતા વ્યક્ત કરી
જેથી હાઈવેની બન્ને બાજુ અનેક કિલોમીટર સુધી વાહનોની લાઈન લાગી હતી. જેને કારણે વાહનચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. આ તરફ થરાદ-ભાભોર હાઈવે પર રસ્તા પર વૃક્ષ પડવાને કારણે એક ખાનગી બસ ફસાઈ હતી. બાદમાં ક્રેન દ્વારા બસને ટોઈંગ કરવાની ફરજ પડી હતી.