Sajni Murder case : અમદાવાદના ચકચારી સજની હત્યા કેસનો ફરાર આરોપી તરૂણ જિનરાજ ઝડપાયો છે. દિલ્લીના નજફગઢ પાસેથી અમદાવાદ સાયબર ક્રાઇમે આરોપીની ધરપકડ કરી છે. 15 વર્ષે પકડાયા બાદ આરોપી ફરી જામીન પર છૂટયા બાદ ફરાર થયો હતો. તરૂણ દિલ્લીના નજફગઢમાં પીજીમાં રોકાયો હતો.
આરોપી તરુણે પેરોલ જમ્પ કરી ભારત છોડી જવાનો પ્લાન બનાવ્યો હતો. જો કે આરોપીએ જેલમાં જ ભાગવાનું પ્લાનિંગ કર્યું હતું. તે માટે અમદાવાદના સ્થાનિક બે શખ્સોએ મદદ કરી હતી. તેમજ પોતાની ઓળખ છુપાવવા માથા પરથી વાળ ઉતરાવી દીધા અને ગળાની આસપાસ ટેટુ બનાવ્યા. ઉપરાંત નકલી આધારકાર્ડ બનાવવાની તૈયારીમાં હતો ત્યારે જ પોલીસે ઝડપી પાડયો છે.
સમગ્ર ઘટનાની વાત કરીએ તો, વર્ષ 2003માં વેલેન્ટાઈન્સ ડે પર ગર્લફ્રેન્ડને ખુશ કરવા તરૂણ જિનરાજે પોતાની પત્નીની ઘાતકી હત્યા કરી હતી. હત્યા બાદ તરૂણ જિનરાજ 15 વર્ષે પકડાયા પછી ફરી ગાયબ થઈ ગયો હતો. સજનીનો મૃતદેહ મળ્યો ત્યારે તરૂણે એવી કહાની ઘડી હતી કે ઘરમાં લૂંટના ઈરાદે પ્રવેશેલા લોકોએ તેની હત્યા કરી હતી. તે વખતે પોલીસને તરૂણ પર શંકા હતી, પરંતુ તેની ધરપકડ નહોતી થઈ.
ઓક્ટોબર 2018માં ધરપકડ થયા બાદ તરૂણે જામીન પર છૂટવા માટે ટ્રાયલ કોર્ટથી લઈને ગુજરાત હાઈકોર્ટ સુધી 18 વાર અરજી કરી હતી. જોકે, 15 વર્ષે પકડાયેલા આ આરોપીની જામીન અરજીને કોર્ટ દ્વારા અનેકવાર નકારી દેવામાં આવતી હતી. તરૂણે પાંચ વાર તો તેની બીમાર માતાનું ધ્યાન રાખવા માટે જામીન માગ્યા હતા.
છેલ્લે 4 ઓગસ્ટ 2023ના દિવસે 15 દિવસના જામીન પર જેલમાંથી છૂટ્યો હતો, પરંતુ તેણે આજદિન સુધી જેલમાં સરેન્ડર નથી કર્યું. સાબરમતી જેલ દ્વારા તરૂણ જિનરાજ ફરાર હોવાનો રિપોર્ટ પોલીસ તેમજ કોર્ટને કરવામાં આવ્યો. જયાં અમદાવાદની કોર્ટે સોમવારે તરૂણ સામે બિનજામીન પાત્ર વોરન્ટ ઈશ્યૂ કર્યું હતું. આખરે હાલ પોલીસના સકંજામાં આવી ગયો છે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 6:20 pm, Thu, 5 October 23