Porbandar: માધવપુરના મંડેર ગામનો રસ્તો બંધ, જિલ્લાના ડેમ છલકાયા

|

Jul 15, 2022 | 5:46 PM

પોરબંદર (Porbandar) માં મેઘરાજાએ વિરામ લીધા બાદ ગુરૂવારથી ફરીથી વરસાવાનું શરૂ કરી દીધું હતું. જેના પગલે માધવપુર નજીકના ચિગરિયાથી મંડરે જતો રસ્તો બંધ કરવામાં આવ્યો હતો. તો રાણાવાવના તથા કુતિયાણાના અનેક નીચણવાળા ગામડાઓને પૂર (Flood) ના પગલે સાવચેત કરવામાં આવ્યા હતા.

પોરબંદરમાં (porbandar) વરસાદને પગલે માધવપુર નજીકના ચિંગરિયાથી મંડેર ગામ જતો રસ્તો બંધ કરવામાં આવ્યો છે. મધુવંતી નદીમાં ઘોડાપૂર આવતા આ રસ્તો બંધ કરવાની ફરજ પડી હતી. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે નદીઓ બે કાંઠે વહી ઉઠી હતી અને ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા. રાણાવાવ તાલુકાના ગામડાઓ અને રાણાવાવ શહેરમાં પાણી ઘૂસી જતા જળબંબાકાર જેવી પરિસ્થિતી સર્જાઈ હતી અને પોરબંદર-રાણાવાવ તથા કુતિયાણા તાલુકાના  નીચાણવાળા અનેક ગામોને સાવચેત કરાયા હતા.

જિલ્લાના ડેમ છલકાયા

પોરબંદરમાં છેલ્લા પાંચેક દિવસથી જાણે કે વિરામ લીધો હોય તેમ હળવા ઝાંપટા અને નોંધપાત્ર વરસાદ નહોતો, પરંતુ ગુરૂવારે રાત્રિથી શરૂ થયેલા વરસાદે જિલ્લાના રાણાવાવ અને કુતિયાણામાં જળબંબાકારની પરિસ્થિતિ સર્જી દીધી હતી. વરસાદ ઉપરાંત ઉપરવાસમાંથી આવતા પાણીને લીધે નદી, નાળા અને ડેમ છલકાતા ગામોમાં પાણી ફરી વળ્યા હતા.

  •  પોરબંદરના બરડા પંથકમાં આવેલા સોરઠી ડેમ
  • કુતિયાણાના ઈશ્વરીયા એમઆઈ સ્કીમ ડેમ
  •  બાટવા ગામે આવેલા ખારા ડેમના 8 દરવાજા 0.60 મીટર જેટલા ખોલાયા
  • કાલીન્દ્રી ડેમ 0.10 મીટર ઓવરફલો હોવાથી, સારણ ગામ પાસે આવેલ સારણ જળસંપતિ યોજનાના 5 દરવાજા 0.30 મીટર ખોલવામાં  આવ્યા

જિલ્લામાં સમાવેશ પામતા 4 જેટલા ડેમમાં નવા નીરની આવક થતા પૂર જેવી પરિસ્થિતિ જોવા મળી હતી

આ ભારે પાણીના પ્રવાહને લીધે કુતિયાણા શહેરના ગામડાઓમાં અને શહેરમાં પાણી ઘૂસી જતા પૂર જેવી સ્થિતીનું નિર્માણ થયું છે. આવી જ રીતે રાણાવાવ તાલુકાના ખંભાળા ગામે આવેલ ખંભાળાનો ડેમ 0.15 મીટર ઓવરફ્લો થતા ડેમની ઉપરથી પાણી રાણાવાવ તાલુકાના ગામડાઓ અને રાણાવાવ શહેરમાં ઘૂસી જતા, જળબંબાકાર જેવી પરિસ્થિતી સર્જાઈ હતી અને પોરબંદર-રાણાવાવ તથા કુતિયાણા તાલુકાના અનેક ગામોને સાવચેત કરવામાં આવ્યા હતા.

Published On - 5:42 pm, Fri, 15 July 22

Next Video