Ahmedabad: જે થાળીમાં ખાધું એ જ થાળીમાં થુંક્યા ! RMOએ જ બદનામ કરી યુ.એન. મહેતા હોસ્પિટલને, જાણો સમગ્ર વિગત

|

May 27, 2022 | 7:27 AM

એક વર્ષ અગાઉ બોગસ ફેસબુક એકાઉન્ટ દ્વારા યુ.એન.મહેતા હોસ્પિટલ (UN Mehta Hospital) બંધ થાય છે અને હૃદયરોગના દર્દીઓની સારવાર નહીં થાય, તેવી પોસ્ટ વહેતી કરવામાં આવી હતી.

અમદાવાદમાં (Ahmedabad) યુ.એન. મહેતા હોસ્પિટલને બદનામ કરવાના મામલે ધરપકડ કરાયેલા RMOને જામીન (Bail) પર મુક્ત કરવામાં આવ્યા છે. સોશિયલ મીડિયામાં હોસ્પિટલને બદનામ કરનારા અમદાવાદની યુ.એન. મહેતાના (U.N. Mehta Hospital) RMO કૌશિક બારોટની સાયબર ક્રાઇમે ધરપકડ કરી હતી. 17 વર્ષથી હોસ્પિટલમાં ફરજ બજાવતા RMO કૌશિક બારોટ લઘુતાગ્રંથિથી પિડાતા હતા અને તેઓએ હોસ્પિટલને બદનામ કરવાનું કાવતરૂ ઘડ્યું હતું. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે, આરોપી RMOએ અન્યના નામે સીમકાર્ડ મેળવ્યા હતા. જેના દ્વારા બોગસ ફેસબુક આઇડી બનાવ્યું હતું, તો વોઇસ ચેન્જિંગ મોબાઇલ એપ્લિકેશન દ્વારા યુવતીના નામે વાત કરીને લોકોને ભડકાવ્યા હતા.

ખુદ RMO દ્વારા યુએન મહેતા હોસ્પિટલને બદનામ કરવાનું કાવતરુ રચાયુ હોવાનું બહાર આવતા ચકચાર મચી ગઇ છે. અહીં સૌથી મોટો સવાલ એ સર્જાય છે કે 17 વર્ષ સુધી યુ.એન.મહેતાના RMO તરીકે સેવા આપનાર કૌશિક બારોટે આવુ કૃત્ય કેમ કર્યું. ત્યારે પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે આરોપી RMO લઘુતાગ્રંથિથી પીડાતા હતા અને જે વ્યક્તિ સામે તેમને વાંધો હોય તેને બદનામ કરીને હેરાન પરેશાન કરતા હતા. શહેરની સાયબર ક્રાઇમ પોલીસે હાલ આરોપીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મહત્વપૂર્ણ છે કે એક વર્ષ અગાઉ બોગસ ફેસબુક એકાઉન્ટ દ્વારા યુ.એન.મહેતા હોસ્પિટલ બંધ થાય છે અને હૃદયરોગના દર્દીઓની સારવાર નહીં થાય, તેવી પોસ્ટ વહેતી કરવામાં આવી હતી. જેમાં બી.જે મેડિકલ કોલેજના આસિસ્ટન્ટ પ્રોફેસરની સંડોવણી સામે આવી હતી અને પ્રેફેસરની ધરપકડ કરાઇ હતી. ત્યારે ફરી એકવાર આ પ્રકારની ઘટના સામે આવતા અનેક તર્કવિતર્કો સર્જાયા છે.

Next Video