Vadodara : તાંબેકરની હવેલીની 300 મીટરની ત્રિજ્યામાં બાંધકામ નિષેધથી આસપાસના રહીશો પરેશાન, જુઓ Video
તાંબેકરની હવેલી હોવાની 300 મીટરની ત્રિજ્યામાં કોઇ પણ પ્રકારનું નવીન બાંધકામ કરવાની મનાઇ ફરમાવેલી છે. જેના કારણે આસપાસના જર્જરિત મકાનોમાં રહેતા લોકો પરેશાન થયા છે. કારણ કે તે લોકો નવું બાંધકામ કરાવી શકતા નથી.
Vadodara : રાવપુરામાં પ્રતાપ રોડ ખાતે આવેલી પ્રચલિત તાંબેકર હવેલી (Tambekar Haveli), તાંબેકરના વાડા વિશે તો સૌ કોઇએ સાંભળ્યું જ છે, પરંતુ હવે આ વિસ્તારના રહીશો ખૂબ પરેશાન થઇ ગયા છે. તાંબેકરની હવેલી હોવાના કારણે 300 મીટરની ત્રિજ્યામાં કોઇ પણ પ્રકારનું નવીન બાંધકામ કરવાની મનાઇ ફરમાવેલી છે. જેથી 60થી 70 વર્ષ જૂના મકાનો હવે જર્જરિત અને ખખડધજ બન્યા છે જેના કારણે ગમે ત્યારે દુર્ઘટના સર્જાઇ શકે છે.
જો કોઇ બાંધકામ કરે, તો પુરાતત્વ વિભાગ તેમને નોટિસ ફટકારે છે. જેથી નારાજ અને કંટાળેલા રહીશોની ‘રાવપુરા રેસીડેન્સ ઓનર્સ વેલફેર એસોસિએશન’ના નેજા હેઠળ આજે બેઠક મળી હતી. આ બેઠકમાં તાંબેકર હવેલીની ત્રિજ્યામાં આવતા તમામ વિસ્તારના રહીશો હાજર રહ્યા હતા.
વર્ષ 1848થી 1872 સુધી વડોદરાના દીવાન રહી ચૂકેલા ભાઉ તાંબેકરની હવેલી હાલમાં ભારતીય પુરાતત્વ ખાતાના તાબામાં છે. આ 3 માળની હવેલીમાં તે જમાનાના સેંકડો આકર્ષક ભીંતચિત્રો છે. જે એક સમયે ભાઉ તાંબેકરનું નિવાસસ્થાન હતું. વાડાની અંદર 19મી સદીના સૌથી સુંદર પરંતુ ક્ષીણ થતા ભીંતચિત્રો છે. આ ઇમારત લગભગ 140 વર્ષ જૂની છે. તેથી ભારત સરકારના ઓરનામેન્ટ પ્રોટેક્શન એક્ટ હેઠળ સંરક્ષિત ઈમારત જાહેર કરાઇ છે. તાંબેકર હવેલીની ચારેય દિશામાં 300 મીટરની ત્રિજ્યા સુધી કોઇપણ પ્રકારનું નવીન બાંધકામ કે રીપેરીંગ કરવા પર પ્રતિબંધ છે.
સ્થાનિકોએ પુરાતત્વ વિભાગ સામે લગાવ્યા આક્ષેપ
તાંબેકરની હવેલીના ત્રિજ્યામાં આવતા વિસ્તારમાં બાંધકામની મનાઇ હોવાથી વિકાસ ઠપ થયો હોવાની રાવ છે. વર્ષો જૂના મકાન તૂટી જવાની સ્થિતિમાં છે. તેથી સ્થાનિકોએ માગ કરી છે, કે તેમને નવીન બાંધકામ કરવા માટે મંજૂરી આપવામાં આવે. જર્જરિત મકાનો, ઇમારતોના કારણે દુર્ઘટના થવાની સંભાવના છે. વિસ્તારના મકાનોની કિંમત પણ ડાઉન થઇ ગઇ છે. રહીશો બાંધકામ કરે તો નોટિસ ફટકારીને પોલીસ કેસ કરવાની ધમકી અપાય છે, મોટી રકમની માગણી કરાય છે, તેવા આક્ષેપ પણ લોકોએ પુરાતત્વ વિભાગ સામે લગાવ્યા છે.