થોળ પક્ષી અભયારણ્યમાં યાયાવર પક્ષીઓની સંખ્યામાં વિક્રમી વધારો, 20 વર્ષમાં ચિત્ર બદલાઈ ગયું

| Edited By: | Updated on: Dec 14, 2025 | 1:49 PM

મહેસાણાનું ગૌરવ ગણાતું થોળ પક્ષી અભયારણ્ય હાલ વિદેશી મહેમાનોના કલરવથી ગુંજી ઉઠ્યું છે. શિયાળાની શરૂઆત સાથે જ હજારો માઈલ દૂરથી યાયાવર પક્ષીઓ અહીં આવી પહોંચે છે. પરંતુ, આ વર્ષે સામે આવેલા થોળ બર્ડ સેન્સસના આંકડા અત્યંત પ્રોત્સાહક છે. છેલ્લા બે દાયકા એટલે કે 2004 થી 2024 વચ્ચે થોળમાં આવતા પક્ષીઓની સંખ્યામાં અભૂતપૂર્વ વધારો નોંધાયો છે. કયા પક્ષીઓ સૌથી વધુ આવે છે અને 20 વર્ષમાં ચિત્ર કેટલું બદલાયું છે ? જાણો આ અહેવાલમાં

શિયાળાની ગુલાબી ઠંડીમાં થોળ તળાવનો નજારો કંઈક અલગ જ હોય છે. અહીં પાણી અને આકાશ બંને પક્ષીઓથી ભરાઈ જાય છે. આ પક્ષીઓ માત્ર ભારતના જ નહીં, પરંતુ સાઇબેરિયા, મધ્ય એશિયા અને યુરોપના અતિશય ઠંડા પ્રદેશોમાંથી હજારો કિલોમીટરનો લાંબો અને કઠિન પ્રવાસ ખેડીને અહીં આવે છે. થોળ પક્ષી ગણતરીના ડેટા પર નજર કરીએ તો, 2004 અને 2024 વચ્ચે મોટો તફાવત સ્પષ્ટ દેખાય છે. વર્ષ 2004માં અહીં કુલ 18,372 (અઢાર હજાર ત્રણસો બોતેર) પક્ષીઓ નોંધાયા હતા. જ્યારે 2024માં આ આંકડો ત્રણ ગણો વધીને 55,589 (પંચાવન હજાર પાંચસો નેવ્યાસી) પર પહોંચી ગયો છે. જે દર્શાવે છે કે થોળ હવે આંતરરાષ્ટ્રીય પક્ષીઓ માટે એક સુરક્ષિત અને પસંદગીનું સ્થળ બની ગયું છે.

આ આંકડાઓમાં સૌથી ચોંકાવનારો બદલાવ ફ્લેમિંગો અને ક્રેન્સ (કુંજ) ની સંખ્યામાં જોવા મળ્યો છે. ચાર્ટ મુજબ, વર્ષ 2004માં થોળમાં ફ્લેમિંગોની સંખ્યા શૂન્ય નોંધાઈ હતી. જેની સામે 2024માં 12,459 જેટલી જંગી સંખ્યામાં ફ્લેમિંગોએ થોળમાં ધામા નાખ્યા છે. આ ઉપરાંત, કુંજ પક્ષીઓ એટલે કે ક્રેન્સની સંખ્યામાં પણ મોટો ઉછાળો આવ્યો છે.2004માં માત્ર 380 ક્રેન્સ હતા, જે સંખ્યા 2024માં વધીને 2057 થઈ ગઈ છે. આ મોટા કદના આકર્ષક પક્ષીઓ હવે પ્રવાસીઓ માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.

જોકે, થોળમાં હંમેશાની જેમ બતક અને ગીઝ (Ducks & Geese) પ્રજાતિનું પ્રભુત્વ યથાવત છે. તેઓ સૌથી વધુ સંખ્યામાં આવતા મહેમાનો છે.2004 માં તેમની સંખ્યા 8679 હતી, જે 2024માં વધીને 22,109 થઈ ગઈ છે. આ સિવાય પેલિકન, હેરોન્સ, આઇબિસ, અને વેડર્સ સહિત કુલ 150 થી વધુ પ્રજાતિઓ પણ મુખ્ય અને આકર્ષક 18 જેટલા વિવિધ ગ્રુપના પક્ષીઓ અહીં જોવા મળે છે. છેલ્લા 20 વર્ષમાં અહીંના ઇકોસિસ્ટમમાં થયેલા સુધારા અને સંરક્ષણના પ્રયાસોને કારણે પક્ષીઓની સંખ્યામાં આ હકારાત્મક બદલાવ જોવા મળી રહ્યો છે, જે પર્યાવરણ પ્રેમીઓ માટે આનંદના સમાચાર છે.

( With Input Manish Mistry- Mehsana)