રખડતા ઢોરની અડફેટે થતા અકસ્માત અને મૃત્યુને લઈને જનતામાં રોષ છે તો બીજી તરફ રખડતા ઢોર (Stray Cattle) પકડવાની કામગીરી સામે માલધારી સમાજમાં આક્રોશ છે. કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા (Parshottam Rupala)એ રખડતા ઢોર મુદ્દે નિવેદન આપ્યુ કે પશુઓના છાણ અને મૂત્રની ખરીદી શરૂ થતા રખડતા ઢોર ઉપયોગી બનતા લોકો તેને સાચવવા લાગશે. બનાસ ડેરી (Banas Dairy)એ પશુઓનું છાણ ખરીદવાનું શરૂ કરતા પશુપાલકોને ફાયદો થયો છે. આ અંગે કેન્દ્ર સરકાર પણ એક મહત્વની પોલિસી જાહેર કરવાની તૈયારીમાં છે. જે બાદ એકાદ વર્ષમાં રખડતા ઢોરનો પ્રશ્ન હલ થઈ થવાની આશા છે તેમ રૂપાલાએ જણાવ્યુ હતુ.
ગુજરાતમાં ગોબરની વ્યાપક ખરીદી થઈ શકે અને તેનો ઉપયોગ સારામાં સારી રીતે થઈ શકે એ દિશાના પ્રયાસો ભારત સરકાર અને રાજ્ય સરકાર અસરકારક રીતે અમલમાં આવે તેના માટે કરી રહી છે. આના માટે બનાસકાંઠાની ભાભર ડેરીની સાથે પ્રાઈવેટ એન્ટરપ્રેન્યોર દ્વારા MOU પણ કરી લેવામાં આવ્યા છે રૂપાલાએ જણાવ્યુ છે. અત્યારે ગોબર 2 રૂપિયા કિલો ખરીદી શકાય તેવી પણ એક કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.
સુઝુકી કંપની ગેસ બનાવવા માટે ગોબર આધારિત કંપની શરૂ કરશે અને તેના ગેસ સ્ટેશનો સ્થાપવા માટેની એક યોજના લઈને આવી છે. જેનુ પીએમ મોદીએ ગયા મહિને જ ઉદ્દ્ઘાટન કર્યુ છે. રાજ્યમાં ગોબરની ખપત વધશે, તેની કિંમત વધશે તો ગૌમૂત્રની કિંમત વધશે અને એકાદ વર્ષની અંદર તેના પરિણામો પણ સામે આવશે. પશુઓના ગોબરની ઉપયોગિતા સામે આવતા જ રખડતા ઢોરને બદલે પાલતુ ઢોરની હરોળમાં આવી જશે અને રખડતા ઢોરની સમસ્યાનું પણ નિરાકરણ થવાની પુરેપુરી શક્યતા છે તેમ પુરુષોત્તમ રૂપાલાએ જણાવ્યુ છે.
Published On - 11:29 pm, Mon, 5 September 22