રાજ્યના 45 તાલુકાઓમાં વરસાદ, ગાંધીનગર, મહેસાણા અને ખેડામાં ગાજવીજ સાથે તૂટી પડ્યો તોફાની વરસાદ

|

Sep 10, 2022 | 9:43 PM

Rain Updates: રાજ્યના અનેક જિલ્લાઓમાં ભાદરવામાં અષાઢી માહોલ જામ્યો છે. જેમા ગાંધીનગરના દહેગામ, મહેસાણાના વીસનગર અને વડનગર તેમજ ખેડા જિલ્લાના નડિયાદ સહિતના ગામોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે.

રાજ્યમાં ભાદરવા મહિનામાં અષાઢી માહોલ જોવા મળ્યો છે. ભાદરવાના આકરા તાપ અને ભારે ઉકળાટ બાદ પાટનગર ગાંધીનગર (Gandhinagar) માં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. જેમા દહેગામમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી. સરેરાશ એક કલાકમાં સવા ઈંચ જેટલો વરસાદ (Rain) ખાબકી ગયો હતો. ભારે વરસાદને પગલે ઠેર-ઠેર પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે. નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ (Water Logging) જતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. વરસાદના આગમન પહેલા અસહ્ય ઉકળાટનો સામનો ગાંધીનગરવાસીઓ કરી રહ્યા હતા ત્યારે ગાંધીનગરમાં પણ વરસાદે મન મુકીને વરસી જતા વાતાવરણ આહ્લાદક બન્યુ હતુ.

મહેસાણામાં સતત બીજા દિવસે વરસાદ

આ તરફ મહેસાણા જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદ પડ્યો છે. મહેસાણાના વિસનગર અને વડનગરમાં વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ મેઘરાજાની ફરી એન્ટ્રી થઈ છે. ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. વરસાદી માહોલ છવાતા વાતાવરણ ખુશનુમા બન્યુ હતુ.

ખેડા જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ

ખેડા જિલ્લામાં પણ લાંબા વિરામ બાદ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. જિલ્લાના નડિયાદ શહેર સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. નડિયાદમાં તોફાની પવન સાથે મેઘરાજાની સવારી આવી પહોંચી હતી. આ તરફ માતર સહિતના ગામડાઓમાં પણ ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો હતો. મહેમદાબાદ, મહુદા સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે. લાંબા વિરામ બાદ વરસાદ થતા લોકોને ગરમીમાંથી રાહત મળી હતી અને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

આ તરફ આણંદ અને વિદ્યાનગરમાં ભારે ગરમી બાદ વાતાવરણમાં પલટો જોવા મળ્યો. અસહ્ય ઉકળાટ અને બફારા બાદ આખરે મૌસમનો મિજાજ બદલાયો અને ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. લાંબા વિરામ બાદ જિલ્લામાં વરસાદી માહોલ છવાતા લોકોને ગરમીમાંથી રાહત મળી હતી.

Next Video