Monsoon 2022 : જતા-જતા પણ મેઘરાજા મહેરબાન, હવામાન વિભાગે ગુજરાતમાં પાંચ દિવસ વરસાદની કરી આગાહી

|

Sep 18, 2022 | 7:28 AM

હવામાન વિભાગની (IMD) આગાહી મુજબ આજે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં (Saurashtra) ભારે વરસાદ વરસી શકે છે.

રાજ્યમાં  આગામી 5 દિવસ છૂટોછવાયો વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે સામાન્ય વરસાદી સિસ્ટમના પગલે આગામી 5 દિવસોમાં રાજ્યમાં છૂટોછવાયો વરસાદ (Rain forecast)  વરસી શકે છે અને અમદાવાદ (Ahmedabad) તથા ગાંધીનગરમાં વરસાદી ઝાપટા પડી શકે છે. સાથે જ આગામી 2 દિવસોમાં રાજ્યના તાપમાનમાં 2 ડિગ્રીનો વધારો થઇ શકે છે. હવામાન વિભાગની (IMD) આગાહી મુજબ આજે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં (Saurashtra) ભારે વરસાદ વરસી શકે છે.

રાજ્યમાં ભારે વરસાદને પગલે મોટાભાગના ડેમ ઓવરફ્લો

તો બીજી તરફ રાજ્યમાં મેઘરાજાની અવિરત સવારીને પગલે મોટાભાગના ડેમ ઓવરફ્લો થયા છે.ગુજરાતની(Gujarat) જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં ઉપરવાસમાંથી પાણીની આવક વધી છે. જેના પગલે તંત્રએ રાત્રે 9 કલાકે વધુ પાણી છોડવાનો નિર્ણય કર્યો છે. સરદાર સરોવર ડેમના 23 દરવાજા 1.38 મીટર ખોલીને 2.50 લાખ ક્યુસેક પાણી છોડાશે. તો પાવર હાઉસ દ્વારા 45,000 ક્યુસેક પાણી છોડાશે.નર્મદા ડેમમાંથી(Narmada Dam) 2.95 લાખ ક્યુસેક પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારોને તકેદારી રાખવા વહીવટી તંત્રએ અપીલ કરી છે.

સૌરાષ્ટ્રનો બીજા નંબરનો ભાદર -1 ડેમ (Bhadar-1 Dam) પાણીથી છલોછલ થઈ ગયો છે અને ભાદર ડેમ છલકાઈ જતા ડેમના 18 દરવાજા 5 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. હાલમાં ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ રહી છે . ડેમમાં 32896 ક્યુસેક પાણીની આવક સામે 32896 ક્યુસેક પાણીની જાવક નોંધાઈ રહી છે. સાથે જ નીચાણવાસના 22 ગામને એલર્ટ આપવામાં આવ્યું છે. નદીના પટમાં ન જવા તેમજ ઢોરઢાંખરને નદીના પટમાં ચરાવવા ન લઇ જવા માટે સૂચના આપવામાં આવી છે.

દેવભૂમિદ્વારકા જિલ્લામાં સતત વરસાદને પગલે વધુ બે ડેમ ઓવરફ્લો થયા છે. દ્વારકા જિલ્લાના ખંભાળિયાના (khambhaliya) સામોર ગામમાં આવેલ વચકુ અને સામોરીયો ડેમ ઓવરફ્લો થયો છે. બંને ડેમમાં નવા નીર આવતા સ્થાનિકોને ફાયદો થશે. વચકુ ડેમ દસ વર્ષમાં ત્રીજી વખત ઓવરફલો  થયો છે તથા સામોરીયો ડેમ ચાલુ સિઝનમાં ચોથી વાર ઓવરફલો થયો છે.

Published On - 7:28 am, Sun, 18 September 22

Next Video