PSM 100: પ્રમુખ સ્વામી મહોત્સવમાં એક સ્વયંસેવક એવા છે જેઓ દેશ સેવામાં પણ કાર્યરત છે અને હાલ શતાબ્દી મહોત્સમાં આપી રહ્યા છે સેવા

|

Dec 25, 2022 | 11:50 PM

PSM 100: અમદાવાદમાં ચાલી રહેલા પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં એક સ્વયંસેવક એવા છે જેઓ સેનામાં રહી દેશ સેવા તો કરી જ રહ્યા છે પરંતુ બાપ્પા પ્રત્યે તેમને અપાર શ્રદ્ધા છે અને આથી જ હાલ એક મહિનાની રજા લઈને તેઓ અહીં સેવા બજાવી રહ્યા છે.

અમદાવાદમાં ઓગણજ ખાતે 600 એકરમાં ફેલાયેલા પ્રમુખ સ્વામી નગરમાં અનેક હરિભક્તો અને સ્વયંસેવકો તેમના ધંધા રોજગાર અને નોકરી છોડી સેવા આપી રહ્યા છે. આ તમામ સ્વયંસેવકોમાં એક સ્વયંસેવક એવા છે જે અલગ તરી આવે છે. જેમનું નામ છે મનીષ મોદી. જેઓ લેફ્ટનન્ટ કર્નલ છે અને પ્રમુખ સ્વામી નગરના સેવા યજ્ઞમાં જોડાયા છે. મનીષ મોદી છેલ્લા 33 વર્ષથી સેનામાં ફરજ બજાવે છે અને હાલ મેઘાલય ખાતે તેઓ ફરજ બજાવી રહ્યા છે. આ દરમિયાન તેમણે એક વર્ષની રજા બચાવી અને હવે આ સેવાયજ્ઞમાં જોડાયા છે. આટલું જ નહીં પણ આ સેવા યજ્ઞમાં તેમના પત્ની અને પુત્રી પણ સેવા આપી રહ્યા છે.

ભારતીય સેનામાં ગનર તરીકે ફરજ બજાવે છે લે.કર્નલ મનિષ મોદી

TV9 ગુજરાતી સાથેની ખાસ વાતચીતમાં મનિષ મોદીએ જણાવ્યુ કે તેઓ ભારતીય સેનામાં આર્મી અને ડિફેન્સ વિભાગમાં ગનર તરીકે કાર્યરત છે. તેમની મુખ્ય ફરજ એ હોય છે કે જ્યારે દુશ્મન હુમલા કરે ત્યારે તેમની સામે એન્ટી એરક્રાફ્ટ ગન્સ અને મિસાઈલ્સ દ્વારા હવાઈ હુમલાને રોકવાના હોય છે અને દુશ્મનના હવાઈ જહાજને તોડી પાડવાના હોય છે. તેઓ જણાવે છે કે હાલ તેઓ NCCમાં ડેપ્યુટેશન પર છે જે મેઘાલયના શિલોંગમાં કાર્યરત છે. તેઓ જણાવે છે કે ત્યાની સેવા એ રાષ્ટ્ર સેવા છે અને અહીં બાપાની સેવાભક્તિની સેવા છે.

શતાબ્દી મહોત્સવની સેવા અંગે લેફ્ટનન્ટ કર્નલ મનિષ મોદી જણાવે છે કે PR ડિપાર્ટમેન્ટમાં સ્ટેજ ગાઈડ સેવા બજાવી રહ્યા છે. 10 ડિસેમ્બરથી તેઓ પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં સેવામાં જોડાયા છે અને જ્યાં સુધી મહોત્સવ ચાલશે ત્યાં સુધી તેઓ અહીં જ રહેશે.

Next Video