Porbandar: પોરબંદરમાં ભારે વરસાદ બાદ જળબંબાકાર, મેળાનું મેદાન તળાવમાં ફેરવાયું, જુઓ વીડિયો

| Edited By: | Updated on: Aug 17, 2022 | 4:43 PM

પોરબંદર જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી સતત વરસી રહેલા વરસાદથી લોકમેળાનું ગ્રાઉન્ડ તળાવમાં ફેરવાયું છે. જન્માષ્ટમીનો લોકમેળો ભરાય છે ત્યાં જ વરસાદી પાણી ભરાયા છે.

Porbandar: પોરબંદર જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી સતત વરસી રહેલા વરસાદથી (Heavy rainfall) લોકમેળાનું ગ્રાઉન્ડ તળાવમાં ફેરવાયું છે. જન્માષ્ટમીનો લોકમેળો ભરાય છે ત્યાં જ વરસાદી પાણી ભરાયા છે. ચકડોળ અને સ્ટોલ પાણીમાં ડૂબી જતા કોંગ્રેસે નગરપાલિકાને લોકમેળો રદ કરી વેપારીઓને 100 ટકા રીફન્ડ આપવાની માગ કરી છે. મહત્વનું છે કે, ભારે વરસાદ બાદ તમામ રાઈડ્સ અને સ્ટોલ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે અને વેપારીઓને મોટૂં નુક્સાન વેઠવાનો વારો આવ્યો છે. હાલ આ મેળાને રદ્દ કરીને તમામ વેપારીઓને રીફન્ડ મળે તેવી માગ ઉઠી છે.

સાર્વત્રિક વરસાદથી અનેક જળાશયો છલકાયા

રાજ્યમાં સારા વરસાદના કારણે લોકોને મુશ્કેલી તો છે. પરંતુ પાણીની સમસ્યા હલ થઇ જશે. કારણ કે, રાજ્યના ઘણા ડેમમાં પાણીની આવક વધી છે. નર્મદાના સરદાર સરોવર ડેમમાં પાણીની આવક 6 લાખ 54 હજાર 680 ક્યુસેક નોંધાઈ છે. તો ઉકાઇ ડેમ (Ukai Dam) અને ધરોઇ ડેમમાં પણ નવા નીર આવ્યા છે. તે જ રીતે ભાદર ડેમ, મેશ્વો જળાશય પણ ભરાવા આવ્યા છે. તો મોક્તેશ્વર અને હસનાપુર ડેમ પણ છલોછલ થઇ ગયા છે. તો દાંડીવાડા ડેમમાં પણ નવા નીરની આવક થઇ છે.

ગુજરાતની જીવાદોરી નર્મદા સરદાર સરોવર ડેમની જળસપાટી 134.35 મીટર પર પહોંચી છે. ડેમમાં 6 લાખ 24 હજાર 418 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જ્યારે 5 લાખ 63 હજાર 324 ક્યુસેક પાણીની ડેમમાંથી જાવક થઈ રહી છે. ડેમના 23 દરવાજા 3.25 મીટર ખોલી 5 લાખ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. રિવરબેડ પાવરહાઉસના 6 ટર્બાઇનથી 44 હજાર 532 ક્યુસેક પાણી નદીમાં છોડાયું છે. કેનાલ હેડ પાવરહાઉસમાંથી 18,792 ક્યુસેક પાણી કેનાલમાં છોડાઈ રહ્યું છે.

જૂનાગઢનો સૌથી મોટો હસનાપુર ડેમ ઓવરફ્લો થયો છે. છેલ્લા બે દિવસથી ગિરનાર જંગલમાં અનરાધાર વરસાદ પડી રહ્યો છે. જેના કારણે જૂનાગડ શહેરને પાણી પૂરું પાડતો હસનાપુર ડેમ છલોછલ થઈ ગયો છે. ડેમ ઓવરફ્લો થતાં નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે. વહીવટી તંત્રએ ગલીયાવાડ, સાબલપુર, સરગવાળા, બામણગામ અને દેરવાણ સહિતના ગામોને એલર્ટ કરાયા છે.