પાલનપુરમાં કરોડોના ખર્ચે તૈયાર કરવામાં આવી રહેલો STP પ્લાન્ટ પ્રોજેક્ટ અટક્યો, કલેક્ટરે ફરમાવ્યો મનાઈ હુકમ- Video
પાલનપુર શહેર માટે માથાનો દુખાવો બનેલો STP પ્લાન્ટનો મુદ્દો હવે વધુ ગૂંચવાયો છે. જમીનની કિંમતના વિવાદ વચ્ચે કલેક્ટરે મનાઇ હુકમ ફરમાવતા આખો પ્રોજેક્ટ ખોરંભે ચઢ્યો છે .
પાલનપુર નગરપાલિકા દ્વારા શહેરના ગંદા પાણીના પ્રોસેસિંગ માટે રૂ. 25 કરોડના ખર્ચે અત્યાધુનિક STP પ્લાન્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે પરંતુ આ પ્લાન્ટના પમ્પીંગ સ્ટેશનની કામગીરી વિવાદમાં સપડાઈ છે. પાલિકા દ્વારા પમ્પીંગ સ્ટેશન માટે 20 હજાર ફૂટ જમીન ખરીદવામાં આવી હતી, જેનું વેલ્યુએશન 6 કરોડ 27 લાખ રૂપિયા દર્શાવવામાં આવતા ભારે વિવાદ ઉભો થયો છે. આટલી ઊંચી કિંમત સામે સવાલો ઉઠતા જિલ્લા કલેક્ટરે તાત્કાલિક અસરથી મનાઈ હુકમ ફરમાવી દીધો છે. આથી હાલ STP પ્લાન્ટના પમ્પીંગ સ્ટેશનની તમામ કામગીરી બંધ થઈ ગઈ છે અને પ્રોજેક્ટ ખોરંભે ચડ્યો છે.
STP પ્લાન્ટની કામગીરી અટકતા શહેરીજનોની ચિંતા વધી છે. હાલ ગટરના ગંદા પાણી અને વરસાદી પાણીનો નિકાલ સીધો લડબી નદીના નાળામાં કરવામાં આવી રહ્યો છે. જો પમ્પીંગ સ્ટેશન સમયસર તૈયાર નહીં થાય અને ચોમાસામાં ભારે વરસાદ પડશે તો શહેરમાં પાણી ભરાવાની અને ગંદકી ફેલાવાની દહેશત છે. શહેરીજનોનો આક્ષેપ છે કે પાલિકાના તત્કાલીન સત્તાધીશોના ભ્રષ્ટાચારના પાપે પાલનપુર પર પૂરનું જોખમ તોળાઇ રહ્યું છે. બીજી તરફ પાલિકાના ચીફ ઓફિસરે સમગ્ર વિવાદ ટૂંક સમયમાં ઉકેલાઇ જશે તેવો દાવો કર્યો છે.
