‘સલામત સવારી, ST તમારી’, ‘સમયબદ્ધ અને સુરક્ષિત સવારી’. આવા તો અનેક મોટા-મોટા દાવા ST વિભાગ (ST Department) કરે છે. પરંતુ હકીકત તેનાથી તદ્દન અલગ છે. ગુજરાતમાં દોડતી અંદાજે 7 હજાર બસ પૈકી 800 બસ અત્યંત ખખડધજ છે. કિલોમીટર પૂરા થઈ ગયા હોવા છતાં મુસાફરો નિયમિત આવ-જા કરે છે. સુરેન્દ્રનગર (Surendranagar) રૂટની બસો ખખડધજ થઇ ગઇ છે.
કટાઈ ગયેલા પતરા, તૂટેલી સીટો, ડ્રાઈવરની કેબિન પણ ખરાબ હાલતમાં છે. બારીઓના તૂટેલા કાચ, દોરી બાંધેલી સ્થિતિમાં દરવાજો, આવી અનેક બસમાં રોજ હજારો મુસાફરો જીવના જોખમે સવારી કરવા મજબૂર છે.
આવી ખખડધજ બસમાં મુસાફરી કરવી મોતને હાથમાં લઈને ફરવા સમાન છે. ST બસમાં મજબૂરીમાં મુસાફરી કરતા લોકો જોખમથી વાકેફ છે, પરંતુ રોજનું અપ-ડાઉન હોય કે પછી દૂર ગામમાં જવાનું હોય તો, ST જેવો સસ્તો અને ઝડપી મળી રહેતો અન્ય કોઈ વિકલ્પ મુસાફરો પાસે નથી. એટલે જ મુસાફરો નારાજગી છતાં પણ જાણે ખખડધજ બસોથી ટેવાઈ ગયા છે. ST નિગમ પણ મુસાફરોની તકલીફોથી વાકેફ છે. પરંતુ યોગ્ય હલ ઝડપથી અધિકારીઓ લાવી શકતા નથી.
ST નિગમ અંદાજે રોજના 25 લાખ રૂપિયાની ખોટમાં ચાલે છે. ડીઝલના ભાવમાં અનેકગણા વધારા છતાં 2014થી ટિકિટના ભાવ વધ્યા નથી, તો ખખડધજ એસટી બસને નિગમ દ્વારા તબક્કાવાર દૂર કરવામાં આવી રહી છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ 320 જેટલી નવી બસને રવિવારે લીલી ઝંડી આપવાના છે. આ ઉપરાંત 2023 ડિસેમ્બર સુધી 800 નવી બસ ઉમેરાય તેવો પ્લાન છે. 2024માં નવી બે હજાર બસ સમાવીને એસટીને ખરા અર્થમાં સલામત બનાવવાનો નિગમનો પ્લાન છે.
ગાંધીનગર શહેર સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 9:33 am, Fri, 19 May 23