નીલકંઠ ટ્રેડર્સના માલિક જતીન શાહે આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. નારોલ વિસ્તારમાં આવેલા રહેણાંક મકાનમાં જ આપઘાત કર્યો છે. જતીન શાહ અંબાજી પ્રસાદ કેસમાં આરોપી હતો. જતીન શાહની પેઢીમાંથી ડુપ્લીકેટ ઘી મોકલવામાં આવ્યું હોવાનો આરોપ હતો. અંબાજી પ્રસાદ મામલે જતીન શાહની પોલીસે ધરપકડ કરી હતી.
આ પણ વાંચો ગોધરામાંથી પાકિસ્તાનના સતત સંપર્કમાં રહેનારા 4 લોકોની અટકાયત, શકમંદોની પુછપરછ હાથ ધરાઇ, જુઓ વીડિયો
આપઘાત કરવા પાછળનું કારણ જાણી શકાયું નથી. વેપાર ધંધાને કારણે આપઘાત કર્યો હોવાનું પોલીસનું પ્રાથમિક અનુમાન છે. નારોલ વિસ્તારમાં આવેલા રહેણાંક મકાનમાં જ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. આપઘાતને લઈ નારોલ પોલીસે તપાસ શરૂ કરી છે.
અંબાજી મંદિરમાં થોડા સમય પહેલા પ્રસાદને લઈને વિવાદ સર્જાયો હતો. જે મામલે પ્રસાદમાં વપરાયેલું ઘી ડુપ્લીકેટ હોવાનું સામે આવ્યું હતું. સમગ્ર મામલે પોલીસ તપાસમાં ડુપ્લીકેટ ઘીના ડબ્બા અમદાવાદમાં આવેલા માધુપુરા વિસ્તારમાં આવેલા નીલકંઠ ટ્રેડર્સમાંથી સપ્લાય થયા હોવાનું તપાસમાં ખુલ્યું હતું.
જેને લઈને અંબાજીમાં પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી અને નીલકંઠ ટ્રેડર્સના માલિક જતીન શાહની ધરપકડ પણ થઈ હતી. જે બાદ જતીન શાહ જામીન ઉપર છૂટ્યા હતા. નીલકંઠ ટ્રેડર્સના માલિક જતીન શાહે આજે તેમના ઘરે ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. અમદાવાદના નારોલ વિસ્તારમાં આવેલા તેમના ઘરે સવારે ગળેફાંસો ખાઈને આપઘાત કરતા પરિવારમાં શોકનું મોજુ છવાયું હતું.
મહત્વનું છે કે આજે જતીન શાહનો જન્મદિવસ પણ છે. ગઈકાલે રાત્રે જતીન શાહે તેમના પરિવાર સાથે કેક કાપી અને જન્મદિવસની ઉજવણી કરી હતી. સવારે જતિન શાહની પત્ની જાગ્યા બાદ જ્યારે નીચે આવ્યા તે દરમિયાન જતીન શાહે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો.
સમગ્ર મામલે પોલીસને જાણ થતા નારોલ પોલીસ પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે જતીન શાહના પરિવારમાં પત્ની, એક પુત્ર અને માતા રહે છે. જન્મદિવસ હોવાથી જતીન શાહે તેમની દીકરી અને મોટાભાઈ સાથે ટેલીફોનિક વાતચીત પણ કરી હતી. સવારે જતીન શાહના ભાઈ તેમને જન્મદિવસની બધાઈ દેવા માટે ઘરે પહોંચ્યા હતા તે દરમિયાન જતીન શાહે આપઘાત કર્યા હોવાનું સામે આવ્યું છે.
સમગ્ર મામલે મૃતક જતીન શાહનો પરિવાર મીડિયા સમક્ષ કઈ પણ બોલવા તૈયાર નથી, પરંતુ પોલીસ સમગ્ર મામલે અલગ અલગ દિશાઓમાં તપાસ કરી રહી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે જતીન શાહને વેપાર ધંધામાં ખેંચ આવતા તેમણે આ પગલું ભર્યું છે. આમ છતાં પણ પોલીસ જતીન શાહના આપઘાત પાછળનું અન્ય કોઈ કારણ તો જવાબદાર નથી ને તેને લઈને પણ વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે જતીન શાહનો મોબાઈલ ફોન પણ એફએસએલમાં મોકલી વધુ તપાસ હાથ ધરી છે.
Published On - 5:20 pm, Thu, 7 December 23