નવસારીમાં રખડતા ઢોરને રાખવા ઢોરવાડો બનાવવામાં તંત્રની બેદરકારી, વર્ષોથી નથી ફાળવાઈ જમીન

|

Dec 23, 2022 | 11:29 PM

Navsari: શહેરમાં રખડતા ઢોરની સમસ્યા માઝા મુકી છે અને રખડતા ઢોરને પકડવામાં નિષ્ફળ નગરપાલિકા પાસે આ ઢોરોને રાખવા માટે કોઈ ઢોરવાડો પણ નથી. છેલ્લા 7 વર્ષથી પાલિકા દ્વારા જમીન માટેની માગ કરવામાં આવી છે અને દરેક વખતે પાલિકા જમીનનુ બહાનું ધરી રહી છે.

નવસારીમાં રખડતા ઢોરને રાખવા માટેનો ઢોરવાડો બનાવવામાં તંત્ર નિષ્ફળ નિવડ્યુ છે. છેલ્લા સાત વર્ષોથી નગરપાલિકા કલેક્ટર પાસે જમીનની માગણી કરી રહી છે પરંતુ હજુ સુધી જમીનની ફાળવણી કરવામાં આવી નથી. પરિણામે રખડતા ઢોરની અડફેટે સતત લોકો આવી રહ્યા છે. હાઇકોર્ટે તમામ પાલિકાઓને પોતાના વિસ્તારમાં ઢોરવાડો બનાવી રખડતા ઢોરો પકડવા જણાવ્યું છે, પરંતુ નવસારી વિજલપોર નગરપાલિકા છેલ્લા સાત વર્ષથી પોતાની જમીન ઢોર રાખવા માટે મેળવી શક્યા નથી. જ્યારે કલેકટર કક્ષાએ કામ અટક્યું હોવાના રાગ પાલિકા આલાપી રહી છે. બિલકુલ સરકારી તંત્ર જેવી કામગીરીને જોતાં શહેરીજનોની પણ વારંવાર ઢોર પર નિયંત્રણની માગ કરી રહ્યા છે.

પાલિકા પાસે ઢોરવાડા માટે જમીન નથી

રખડતા ઢોરને લઈને જ્યારે શહેરીજનો વિરોધ કરે એટલે થોડા સમ પુરતા રખડતા ઢોરોને પાંજરાપોળમાં મુકવામાં આવે છે. જેમાં તેના નિભાવ માટે મસમોટા ખર્ચ ચૂકવાતા આવ્યા છે. પરંતુ ઢોર પકડીને તેનો નિભાવ કરવામાં પાલિકા નિષ્ફળ ગઈ છે અને દરેક વખતે પાલિકા પાસે જમીન નહીં હોવાનું બહાનું તૈયાર છે. બીજી તરફ પાલિકાએ કલેક્ટર પાસે છેલ્લા 7 વર્ષથી જમીનની કરેલી માગણી હજી પૂરી નથી થઈ જેને કારણે ઢોરને પૂરવાની કરાયેલી થોડી ઘણી મહેનત પણ પાણીમાં જઈ રહી છે. આખરે પાલિકાની જમીન ગઈ ક્યાં તે પ્રશ્ન હજી પણ લોકોને સતાવી રહ્યો છે. કારણકે પાલિકાના ચીફ ઓફીસર કહે છે કે તેઓ હજી ઢોરવાડા માટે જમીનની શોધમાં છે.

આ પડતર કામગીરીને લઈ છેલ્લા 5 મહિનામાં નવસારી વિજલપોર પાલિકા વિસ્તારમાં 10 થી વધુ અકસ્માત નોંધાયા છે. પાલિકા વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં અરજીઓ પણ કરવામાં આવી છતાં વહીવટી તંત્રએ ગાંધારીની જેમ આંખ પર પટ્ટી બાંધી રાખી છે.

Next Video