નવસારી: પાલિકાની બેદરકારી, નહેરની સાફસફાઈના કામને લઈને શહેરીજનોને 40 દિવસ પાણી વિના રહેવાની નોબત

| Edited By: | Updated on: Dec 23, 2022 | 12:00 AM

Navsari: નગરપાલિકા લોકોની પાણીની જરૂરિયાત પુરી પાડવામાં પણ કારગર સાબિત થઈ રહી નથી. પાલિકાની બેદરકારી સામે આવી છે. જેમા નહેરની સાફસફાઈ થઈ રહી હોવાથી શહેરીજનોને 40 દિવસ સુધી પાણી વિના રહેવાનો વારો આવ્યો છે.

પાણી એ લોકોની પાયાની જીવનજરૂરિયાતની પ્રાથમિક જરૂરિયાત છે, પરંતુ નવસારી નગરપાલિકા માટે એ પ્રાથમિકતા હોય એવું લાગતું નથી. કારણકે અહીં નહેરની સાફસફાઈના કામને લઈને લોકોએ 40 દિવસ પાણી વગર રહેવાનો વારો આવ્યો છે. નવસારીમાં ચોમાસામાં મેઘ તાંડવ બાદ તમામ નદીનાળાઓ છલોછલ થઈ ગયા છે. નદીઓ પર બાંધવામાં આવેલ બંધમાં પાણીની આવક ભરપૂર થઈ છે. છતાં નવસારીના લોકોને તો પાણીની તંગી સહન કરવાનો વારો આવી શકે છે. દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમ કે જે નવસારી જિલ્લાને પાણી પૂરું પાડે છે. આ ડેમ સંપૂર્ણપણે ભરાઈ ગયો છે અને આખું વર્ષ પીવાનું પાણી લોકોને મળે એટલો જથ્થો ઉપલબ્ધ છે.

સિંચાઈ વિભાગે 40 દિવસ પાણી પૂરવઠો બંધ રાખવાનો નિર્ણય કર્યો

જોકે નવસારી સિંચાઈ વિભાગે નહેરનું રોટેશન 40 દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. સમારકામ માટે નહેર બંધ કરાતા નવસારી શહેરમાં પાણીનો પોકાર ગુંજ્યો છે. હાલ શહેરમાં 50 ટકા પાણીકાપ મૂકી દેવામાં આવ્યો છે અને શહેરીજનોને પાણી સાચવીને વાપરવા માટે નગરપાલિકા અને સિંચાઈ વિભાગે અપીલ કરી છે. આ પાણીકાપ પાછળ અધિકારીઓ કંઈક આવું કારણ આપે છે.

શહેરીજનોને તળાવના પાણી સાથે બોરનુ પાણી મિક્સ કરી પૂરવઠો પહોંચાડવામાં આવે છે

નવસારી શહેરમાં પીવાના પાણી માટે શહેરમાં મુખ્ય દૂધિયા તળાવ અને અન્ય એક તળાવમાંથી શહેરની અઢીથી ત્રણ લાખની જનતાને પાણી પૂરૂ પાડવામાં આવે છે. આ પાણી નહેર મારફતે તળાવમાં લાવવામાં આવે છે, પરંતુ નહેરની કામગીરીને લઈ હાલ ઉકાઈ ડેમનું પાણી બંધ હોવાથી સ્થાનિક તળાવોમાં સંગ્રહેલું પાણીનો લોકો ઉપયોગ કરી શકશે. શહેરના લોકોને પાણી પૂરું પાડવા માટે બોરનું પાણી મિક્સ કરી પુરવઠો પૂરો પાડવામાં આવી રહ્યો છે..અને આગામી 16 જાન્યુઆરી સુધી આ જ પરિસ્થિતિ રહેવાની છે. જોકે નગરપાલિકાના સત્તાધીશોએ આગોતરા આયોજન માટેની પણ તૈયારીઓ કરી છે. જેમાં હાશાપોર નજીક આવેલ તળાવમાંથી મુખ્ય દુધિયા તળાવમાં પાણી ઠાલવવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેથી સ્થાનિકોને પીવાના પાણી માટે કોઈ તકલીફ ન પડે.