હવે દારૂ વેચનારની ખેર નથી ! દારૂના દુષણને દૂર કરવા નસવાડી તાલુકાના સરપંચો મેદાને

|

May 28, 2022 | 9:52 AM

પંચાયતોના નિર્ણયથી પોલીસ સફાળી જાગી છે.નાયબ પોલીસ અધિક્ષકે (Nasvadi police officer ) સરપંચોને મોબાઇલ નંબર આપી સીધો સંપર્ક કરવા પણ જણાવ્યું છે.

Chotta Udepur : નસવાડી તાલુકામાં(Nasvadi Taluka)  દારૂના દુષણને ડામવા સર્વાનુમતે  અનોખી પહેલ કરવામાં આવી છે. ચૂંટણી સમયે કોઈ દારૂ વિતરણ કરશે તો રૂપિયા 5.51 લાખનો દંડ કરવામાં આવશે તેવો ઠરાવ પસાર કરવામાં આવ્યો છે.સિંધીકુવા ગ્રામ પંચાયતના મહિલા સરપંચ ભાવિકાબેન ભીલ સહિત નસવાડી તાલુકાના સરપંચો આ દુષણને ડામવા મેદાનમાં ઉતર્યા છે. ચૂંટણીઓમાં(Election)  જે પણ દારૂ નું વિતરણ કરશે તેની સામે સરપંચ અને સભ્યો દ્વારા પોલિસ કેસ કરવામાં આવશે.

દારૂના કાળા કારોબાર માટે ભરવો પડશે લાખોનો દંડ

તમને જણાવી દઈએ કે, આ ઠરાવને પગલે દારૂનો વેપાર કરનારને પણ આ જ નિયમ લાગુ પડશે.દારૂને ડામવા સરપંચના આ નિર્ણયને ગ્રામજનોએ આવકાર્યો છે.પંચાયતોના નિર્ણયથી પોલીસ સફાળી જાગી છે.નાયબ પોલીસ અધિક્ષકે સરપંચોને મોબાઇલ નંબર આપી સીધો સંપર્ક કરવા પણ જણાવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો અગાઉ છોટાઉદેપુરના નસવાડી તાલુકાના વાંકીખાખર પ્રાથમિક શાળાના શિક્ષકને સસ્પેન્ડ કરાયા હતા. શિક્ષક પ્રકાશ ચૌધરી દારૂ પીને શાળાએ આવ્યા હતા. નશામાં ચૂર શિક્ષકનો વીડિયો ગ્રામજનોએ ઉતાર્યો હતો અને શિક્ષક સામે કડક પગલાંની માગ કરી હતી. શિક્ષણ વિભાગે શિક્ષકને સસ્પેન્ડ કર્યા હતા.ત્યારે આ ગ્રામ પંચાયતની અનોખી પહેલથી દારૂના દુષણને ડામવા માટે જરૂરથી મદદ મળશે.

Next Video